માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થની સામે શરૂ કરાયેલા વૈભવી સેરેના બીચ રિસોર્ટ દ્વારા કેટલીક શરતોનો ભંગ કરાતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુચનાથી વીજળીનું જોડાણ કાપી નખાયું હતું. મસ્કામા સર્વે નંબર 372 પૈકીની 20 હેકટર સરકારી જમીન સુરખાબ બર્ડ રિસોર્ટ માટે મંજુર કરવામાં આવેલી જમીનમાં સેરેના બીચ રિસોર્ટ શરૂ કાયો હતો જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માન્યતા વિના સંચાલન થતું હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેહોટલ સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી તે ઉપરાંત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને વીજ જોડાણ કાપી નાખવાની સુચના મળતાં થ્રી ફેઝ વીજ લાઇન કપાઇ હોવાની બાબતે ડેપ્યુટી એન્જિનિયર તૃપ્તિબેન મકવાણાએ પુષ્ટિ આપી હતી. રિસોર્ટના રિસેપ્શન પર લાઈટ કનેકશન કપાયા અંગે વિગત મંગાતા હાલમાં જનરેટરથી કામગીરી ચલાવવામાં આવતી હોવાનું કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી જમીન મંજૂર થવા અંગે શરતોનું પાલન કરવા અને કોઈ પણ મંજૂરી વગર શરતભંગ થાય તો આપેલી જમીનની કોઇ પણ વળતર ચૂકવ્યા વગર મંજૂરી રદ કરવામાં આવશે તેવો હુકમ તત્કાલિન કલેક્ટરે કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રીએ રિસોર્ટને વિધિવત ખુલ્લો મુક્યો હતો
વર્ષ 2014માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રિસોર્ટને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. હોટલ ઉદ્યોગ તરીકે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના નામે જમીન મંજૂર કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમના પત્ની 31 જાન્યુઆરી 2018મા રિસોર્ટમાં રાત્રી રોકાણ કરીને આડકતરી રીતે માર્કેટિંગ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.