ગ્રાઉન્ડ રિપોર્ટ:ચુંટણીના દરિયામાં રાજકીય વહાણોની હાલકડોલક

માંડવી4 દિવસ પહેલાલેખક: સુરેશ ગોસ્વામી
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બંદરિય નગરીએ ધારાસભ્યને મુખ્યમંત્રી બનાવ્યા અને હરાવી પણ નાખ્યા, મુન્દ્રાના મતદારો કરિશ્માે સર્જી શકશે
  • દાબેલીનગરી માંડવીમાં મતરૂપી દાણાનો સ્વાદ લોઢાના ચણા સમાન: મુન્દ્રાની જાહોજલાલી પણ રોકડમાં વર્તાય છે

ફાસ્ટફૂડ શબ્દ પ્રચલિત થયો એ પહેલાંથી પ્રચલિત એવી દાબેલીની જનકનગરી માંડવીની વિધાનસભાની બેઠકમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનો જંગ ચરમસીમાએ પહોંચી રહ્યોે છે. મુખ્યત્વે છ કોણિય જંગ ઉપરાંત બે અપક્ષ ઉમેદવાર પરિણામની પર અસર કરી શકે છે. ભાજપમાંથી સ્થાનિક ઉમેદવાર અનિરૂદ્ધ દવે, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીમાંથી કૈલાશદાન ગઢવી કે અન્ય ઉમેદવારો પૈકી કોને ટેસ્ટફૂલ દાબેલીની નગરીની બેઠક નસીબ થશે એ હાલમાં બાંધી મુઠ્ઠી સમાન સૌને પોતપોતાનો સ્વાદ મળશે ખરો ?

વિધાનસભાની 2 નંબરની માંડવી બેઠકમાં મુન્દ્રા તાલુકાનો સમાવેશ પણ 2012 પછી કરવામાં આવ્યો છે. બંને બંદરિય શહેર અને તાલુકા હોવાની સાથે કચ્છમાં રાજકીય લેબોરેટરી જેવી મહત્તા પણ ધરાવે છે. કારણ કે, મતદારોએ ઉમેદવારોને સાચવ્યા પણ છે અને ઘરે પણ બેસાડી દીધા છે. અલબત, જૂની માંડવી બેઠકે રાજ્યને સુરેશચંદ્ર મહેતાના નામે મુખ્યમંત્રી આપ્યા, નવી માંડવી-મુન્દ્રા બેઠકે તારાચંદ છેડાના નામે રાજ્યમંત્રી આપ્યા હતા.

1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીની પ્રારંભિક સારણી કાઢીએ તો, માંડવી મત વિસ્તાર જીતવા માટે રાજકીય પક્ષોના છ અને અપક્ષના 2 ઉમેદવાર સહિત કુલ 8 ઉમેદવાર ચૂંટણી લડવાના છે. જેમાં બહુજન સમાજ પાર્ટીના કિશોર ધેડા, ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લીમનના મહંદમ માંજલિયા, પ્રજા વિજય પક્ષના વિંછિયા લખમીર રબારી, બે અપક્ષ સમેજા અબ્દુલ કરીમ આમદ અને સંગાર શિવજી બુધિયા મતોનું વિભાજન કરાવશે. 2017ની ચૂંટણીમાં 16 ઉમેદવારો હતા જ઼્યારે આ વખતે 2022માં માત્ર 8 ઉમેદવારો છે તેથી મત વિભાજનના લાભાલાભની અસર પરિણામ ઉપર વર્તાવાની છે. 2017ના ભાજપ અને કોંગ્રેસના મતોના શક્તિ પ્રદર્શનમાં વિરેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયા બાદ તેમને હવે રાપરની બેઠક ઉપર મૂકવામાં આવ્યા છે અને ક્ષત્રિયમતો કઇ તરફ ઢળે છે તે જોવાનું રસપ્રદ બની ગયું છે.

હાલે અહીં કુલ 2,57,359 પૈકી 3689 મતદાર પ્રથમ વખત આંગળીએ તિલક કરાવશે. જ્ઞાતિવાર મતદારો જોઇએ તો સૌથી વધુ મુસ્લીમ 57330, અનુસૂચિત સમાજના 34795, ક્ષત્રિય 24524, ગઢવી સમાજના 19542 અને કડવા પાટીદાર 19537 અને બ્રાહ્મણ 15662 મતદારો ચાવીરૂપ બનવાના છે.

હાલ રાજકીય માહોલ એવો વર્તાઇ રહ્યો છે કે, ત્રણ ટર્મ દાવેદારી કરી રહેલા માંડવીના માજી નગરપ્રમુખને ધારાસભાની ટિકીટ નસીબ થઇ છે. 2002 પછી માંડવીને સ્થાનિક ઉમેદવાર મળ્યા છે. પ્રચાર પૂરજોશમાં છે પણ ઘર કા ભેદી લંકા ઢાયે એવી આંતરિક ભીતિ પણ છે. બીજી તરફ, 29 ઓક્ટોબરે ભાજપ છોડીને માત્ર 13 દિવસમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી પામનારા રાજેન્દ્રસિંહ જાડેજાને બંને પક્ષના રાજકારણનો સામનો કરવો પડે તે નકારી શકાય તેમ નથી. ક્ષત્રિય ઉમેદવારોની પરંપરા ટકશે કે તૂટશે એનો ફેંસલો મતદારોના હાથમાં છે.

પડશે કે માંડવીને નગરના ધારાસભ્ય મળશે તે કાંટે કી ટક્કર માનવી રહી. આ જંગમાં મહત્ત્વનું પરિબળ બની શકનારા મનાતા અને કચ્છમાં પ્રથમ ટિકીટની જાહેરાત થનારા આમ આદમી પાર્ટીના મૂળ લાખોંદમાં પણ અમદાવાદ નિવાસી સીએ વ્યવસાયી કૈલાશદાન ગઢવી તમામ પક્ષોનો ‘અનુભવ’ ધરાવે છે. એઆઇએમઆઇએમના મહંમદ માંજલિયા મુસ્લીમ મતોમાં કોંગ્રેસમાં ભાગ પડાવી શકે અને બાજી ફેરવી જાય તેવું પણ બની શકે છે.

મુન્દ્રા - માંડવી : એકને ગોળ ને બીજાને ખોળ
માજી મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા અને પૂર્વ ધારાસભ્ય નૌશિર દસ્તુરના સમાજના મતદારો ઓછા હોવા છતાં વિજેતા બન્યા હતા. જ્ઞાતિવાર સમીકરણ કરતાં પક્ષીય રાજકારણ તેમાં મૂળ તત્વો હતા. સમયાંતરે રાજકીય સ્થિતિ બદલી અને બંદરિય નગરોનો વિકાસ થયો. જોકે મુન્દ્રાનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો થયો અને માંડવી બંદરે લોડિંગ કે અનલોડિંગની ખાસ સુવિધા પણ જરુરી છે. પ્રવાસન સહિતની સુવિધા ઝંખનારા માંડવી બંદરના વિસ્તારમાં એકને ખોળ અને બીજાને ખોળની અનુભૂતિ થઇ રહી છે. લોકપ્રતિનિધિઓએ આ મુદ્દો કદાચ કોરાણે મૂકી દીધો છે. પણ જે ચૂંટાશે તેના પ્રતિ અપેક્ષા માંડવીના વિકાસની વધુ છે.
સાતમાંથી ચાર વખત ભાજપના સુરેશ મહેતા ચૂંટાયા
1962માં સ્વતંત્ર પક્ષમાંથી મહારાજ કુમાર હિંમતસિંહજી ચૂંટાયા હતા. ત્યારબાદ 1967માં કોંગ્રેસના ઝુમખલાલ મહેતા, 1972માં નૌશિર દસ્તુર, 1975માં જનસંઘમાંથી સુરેશચંદ્ર મહેતા, 1980માં કોંગ્રેસમાંથી જયકુમાર સંઘવી, 1985,1990,1995 અને 1998માં સળંગ ચાર ટર્મ ભાજપમાંથી સુરેશચંદ્ર મહેતા ચૂંટાયા બાદ મુખ્યમંત્રી બન્યા હતા, 2002માં કોંગ્રેસમાંથી છબિલભાઇ પટેલ, 2007માં ભાજપમાંથી ધનજીભાઇ સેંઘાણી, 2012માં મુન્દ્રાની અનામત બેઠક માંડવી બેઠક સાથે જોડાઇ અને ભાજપમાંથી તારાચંદ છેડા જીત્યા અને રાજ્યમંત્રી બન્યા હતા. છેલ્લે 2017માં ભાજપમાંથી ભચાઉના વિરેન્દ્રસિંહ જાડેજા વિજયી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...