13મીએ ધોરડોમાં યોજાશે:માંડવીમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની દોર કાયમ માટે કપાઇ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લે વર્ષ 2016માં ઉજવાયો હતો, આ વખતે 13મીએ ધોરડોમાં યોજાશે

પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા માંડવી બીચ ઉપરાંત બંદરના વિકાસ માટે સરકાર દ્વારા ફદિયું પણ ખર્ચાતું ન હોવાથી અવગણના થતી હોવાની લાગણી જન્મી છે તેની વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને બીચ ફેસ્ટિવલની ઉજવણી પણ રાજકીય ઇચ્છા શક્તિના અભાવે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાઇ છે. આ વખતે 13 જાન્યુઆરીએ ધોરડોમાં પતંગોત્સવ ઉજવાશે જેને જોતાં માંડવી પ્રત્યે પ્રવાસન વિભાગ દુર્લક્ષ સેવતો હોવાનું ચિત્ર વધુ એકવાર સપાટીએ આવ્યું છે.

વર્ષ 2011 અને 2012 બાદ 2016 એમ ત્રણવાર સમુદ્ર તટે પતંગોત્સવ ઉજવાયો હતો જેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પહેલાં વર્ષ 2009 અને 2010માં દિવ્ય ભાસ્કર દ્વારા આયોજન કરાયું હતું. છેલ્લા છ વર્ષથી બીચ તટે પતંગોત્સવ ઉજવાયો નથી પરિણામે પ્રવાસનને વેગ આપવાની માત્ર વાતો જ થતી હોય તેમ જણાઇ રહ્યું છે.

રણોત્સવ ચાલુ થાય તે પહેલાં મનોરમ્ય સાગર કાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાતું હતું. છેલ્લે વર્ષ 2019માં આ ફેસ્ટિવલ ઉજવાયો હતો જેમાં મહેંદી સ્પર્ધા, ગાયન હરીફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો સ્થાનિક કલાકારોને રોજગારી સાથે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. બીચ પર આવી રંગારંગ ઉજવણી ફરી શરૂ થાય તે માટે નવનિયુક્ત ધારાસભ્ય અનિરૂધ્ધ દવે સક્રિય પ્રયાસો હાથ ધરે તેમ નગરજનો ઇચ્છી રહ્યા છે.

રણ, ડુંગર અને દરિયો એમ ત્રણ વિશેષતા ધરાવતા સરહદી જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા વર્ષ 2005માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વ. અનંતભાઇ દવેની વિશેષ ઉપસ્થિતિમાં ખ્યાતનામ કલાકારો સાથે ફેસ્ટિવલ ઉજવવાની સાથે બીચને અલગ ઓળખ આપવાના પ્રયાસ કરાયા હતા પણ હવે ઓળખ વિસરાઇ રહી હોય તેવું જણાઇ રહ્યું છે.

ટેન્ટ સિટીની જાહેરાત ગોબારાની જેમ ઉડી ગઇ !
રણોત્સવની સાથે માંડવીમાં પણ ટેન્ટ સિટી ઉભું કરાશે તેવી જાહેરાત જે તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયા કિનારે બનાવાયેલી તંબુ નગરીને ખુલ્લી મુકતાં કરી હતી અને આકાશમાં ગોબારા છોડ્યા હતા. વર્ષ 2020માં એકજ વાર અહીં ટેન્ટ સિટી બનાવાયા બાદ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પણ ગોબારાની જેમ ઉડી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...