અનોખી ઢબે વિરોધ:માંડવીમાં અશુદ્ધ પાણી વિતરણ સામે કોંગ્રેસે લોકોને આપી છાશ !

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઇની મનમાની સામે કોંગી કાર્યકરોનો અનોખી ઢબે વિરોધ
  • કાર્યકરોઅે પાલિકાને ઘેરાવ સાથે મુખ્ય શટર બંધ કરી સૂત્રોચ્ચાર કર્યા

માંડવી શહેરમાં લાંબા સમયથી વૉટર પ્યૂરીફાઈ સિસ્ટમ બંધ હોવાથી પાણી ફિલ્ટર કર્યા વિના વિતરણ થતું હોવાથી તે ઉપરાંત ગટર મિશ્રિત પાણી અમુક વિસ્તારમાં વિતરીત થતું હોવાથી ઝાડા-ઊલટી અને કોલેરાના રોગચાળાઅે માથું ઉંચકતાં કોંગ્રેસે આકરા તેવર બતાવીને પાલિકાને ઘેરાવ કરી, મુખ્ય શટર બંધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

નગરપાલિકાનો કલવાણ રોડ રૂકમાવતી નદી ખાતેના પંપ હાઉસમાં વૉટર પ્યૂરીફાઈ સિસ્ટમ લાંબા સમયથી બંધ છે, જેથી પાણી ફિલ્ટર થયા વિના વિતરીત થતાં શહેરમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોથી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. પાલિકાની ઘોર બેદરકારીના કારણે જવાબદાર તંત્ર નિંદ્રાધીન હોવાથી કોંગ્રેસે જાગૃત થઇને નગરપાલિકાને ઘેરાવ કરી મુખ્ય ગેઇટના શટર બંધ કરી દીધા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. જો કે, પાલિકાના વહિવટી વિભાગ દ્વારા કોંગ્રેસ દ્વારા કરાયેલી માંગ આઠ દિવસની અંદર પૂરી કરવા લેખિત ખાતરી આપવામાં આવતા મામલો શાંત થયો હતો.

વડાપ્રધાન રાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિના અવસરે શહેરમાં અશુદ્ધ પાણી વિતરણ કરવા સામે કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ઉનાળાને અનુલક્ષીને પાંચસો લીટર છાશનું વિતરણ કરી, પાલિકાની મનમાનીનો વિરોધ સાથેનો અનોખો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો, જેમાં આવતા જતા શહેરીજનોઅે છાશનો લાભ લીધો હતો.

ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રામ કિશન ઓઝા, જિલ્લાના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ કલ્પના જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી, પાલિકાના વિરોધ પક્ષના નેતા થૈમ હાજી આદમ, શહેર કોંગ્રેસ મહામંત્રી અકબર મંધરા, ઉમર ભટ્ટી, આશીફ સુમરા, અબ્દુલ આગરિયા, મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરિયા, કચ્છ જિલ્લા મંત્રી મુકેશ ગોર, ભરત પાતારિયા, અમૃત પટેલ, વલ્લભ વેલાણી, મોહન રામાણી, રફીક રાયમા, પચાણભાઇ, જમીલ મેમણ, ઇમરાન કુંભાર, ફાલ્ગુનીબેન જોશી, રૂકશાનાબેન કુરેશી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

ખાણીપીણીના સ્ટોલ, હાથલારી, રેસ્ટોરેન્ટમાં ચેકિંગ ક્યારે હાથ ધરાશે તે પ્રશ્ન
માંડવીમાં નગરપાલિકા દ્વારા ટાવર ઉપરથી અને ગાડીઓ દ્વારા લાઉડ સ્પીકરથી શુદ્ધ સફાઈ યુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવા પ્રચાર-પ્રસાર કરાય છે પરંતુ ખાણીપીણીની લારીઅો, રેસ્ટોરન્ટમાં પાલિકા દ્વારા શું કામ ચેકિંગ હાથ ધરવામાં અાવતું નથી તેવા સવાલો શહેરીજનો દ્વારા ઉઠી રહ્યા છે.

આરોગ્યની ટીમે અલગ-અલગ વિસ્તારમાં પાણીનું ટેસ્ટિંગ કર્યું
લાંબા સમયથી શહેરમાં ઝાડા-ઉલટીના કેસો માજા મુકતા તાલુકા આરોગ્ય વિભાગના સુપરવાઇઝરો દ્વારા કલરોસ્કોપ મશીનરી સાધનોના માધ્યમથી પાણીની સ્વચ્છતા અને પાણીમાં ક્લોરીન માત્રા વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરીને ચકાસવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...