આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી:લખપત તાલુકાના ઉમરસર લિગ્નાઇટ ખાણના કામદારો અચોક્કસ મુદ્દતના ધરણા પર

લખપત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપની દ્વારા પૂરતું વેતન ન અપાતું હોવા સહિતના આક્ષેપો
  • ​​​​​​​તાકીદે ન્યાય નહીં મળે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી

લખપત તાલુકાના ઉમરસર ખાતે જીએમડીસીની લિગ્નાઇટ ખાણમાં કાર્યરત ખાનગી કંપની અને તેની પેટા કોન્ટ્રાક્ટ કંપની દ્વારા સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી અને વેતન તથા અન્ય લાભો ન અપાતા હોવાની લાગણી સાથે 150 જેટલા કામદારોએ જીએમડીસી ગેટ સામે છાવણી બાંધીને અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા છે. આ મુદ્દે તાત્કાલિક ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

રજૂઆત કરતાં આગેવાન રડી પડ્યા
રજૂઆત કરતાં આગેવાન રડી પડ્યા

ધરણા પર બેઠેલા કામદારોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, મોન્ટે કાર્લો કંપની અને તેના પેટામાં કામ કરતી ભારદ્વાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 550 જેટલા કર્મચારીઓ કામ કરે છે જે પૈકીના મોટા ભાગના ગુજરાત બહારના છે. અમુકના આઇડી પ્રૂફનું હજુ સુધી વેરીફિકેશન કરાયું નથી જે સરહદી વિસ્તાર માટે જોખમી છે. 80 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનો કંપની દ્વારા ઉલાળિયો કરાયો છે.

જો કોઇ પોતાના હક્ક માટે રજૂઆત કરે તો તેને છૂટા કરી દેવાય છે. અત્યાર સુધી આવી રીતે 7 કામદારોને છૂટા કરી દેવાયા છે. કંપની દ્વારા ઓન પેપર કામદારોને સાપ્તાહિક છૂટી અને જાહેર રજાઓનો લાભ અપાય છે તેમ બતાવાય છે જ્યારે વાસ્તવમાં તેમ થતું નથી. જીએમડીસીના નિયમ મુજબ વોકેશનલ ટ્રેનિંગ લીધી હોય તેવાને નોકરી આપવાની હોય છે તેનું પણ પાલન કરાતું નથી.

કંપની દ્વારા શોષણ કરાતું હોવા બાબતે અનેકવાર તાલુકા અને જિલ્લા સ્તરે રજૂઆતો કરવા છતાં કોઇ યોગ્ય ઉકેલ ન આવવાથી નાછૂટકે ધરણા પર બેઠા છીએ તેમ કામદારો કહ્યું હતું. ધરણા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા બપોર બાદ તાલુકા વિકાસ અધિકારીને વધુ એકવાર આવેદન અપાયું હતું.

કોંગ્રેસના આગેવાનો હાજી સુલેમાન પડ્યાર અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મોડ જાફર સુમરાએ છાવણીની મુલાકાત લીધી હતી. એસ. એસ. જાડેજા, હમીરજી જાડેજા, દેવાજી સતાજી, પ્રતાપજી જાડેજા, ભીમાજી તેજમાલજી, નારાણભાઇ સથવારા, નારાણભાઇ ખોખર, મુસા મામદ સોઢા, અલિમામદ ઇસ્માઇલ સાથે પુનરાજપુર, બૈયાવા, ઉમરસર, પાન્ધ્રો, ખટિયા, ગુનેરીના 150 જેટલા કામદારો ધરણામાં જોડાયા હતા.

રજૂઆત કરતાં આગેવાન રડી પડ્યા
છાવણી પર ભાસ્કર સમક્ષ રજૂઆત કરતાં કામદાર આગેવાન રડી પડ્યા હતા. લાખીયારજી વેસલજી જાડેજાએ રડતા સ્વરે જણાવ્યું હતું કે, અમુક લોકોને અંગત સ્વાર્થ ખાતર લડતા હોવાનું લાગી રહ્યું છે પણ હકીકતમાં ખાનગી કંપની દ્વારા કામદારો સાથે વેતન અને અન્ય લાભો મુદ્દે અન્યાય કરાઇ રહ્યો છે જે સહન ન થતાં છેલ્લા છ મહિનાથી લડત ચલાવાઇ રહી છે. સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી સાથે વેતન આપવા માટે લડત છેડાઇ છે જેમાં કોઇ સ્વાર્થ ન હોવાનું તેમણે રડતા સ્વરે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...