દોડધામ:ઈફ્કોના ટાંકામાંથી ફોસ્ફરિક એસિડ લીક થવાથી દોડધામ, સ્થિતિ કાબુમાં

કંડલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલામાં મોટા પ્રમાણમાં જથ્થો બહાર ઠલવાઈ ગયો, પરત પમ્પ પણ કરાયાનો દાવો

કંડલામાં આવેલા ઈફ્કોના પ્લાંટમાં એક ટાંકામાં સ્ટોર કરેલો ફોસ્ફરિક એસીડનો જથ્થો અચાનક લીક થવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી જઈને ઈફ્કોના સુરક્ષા અધિકારીઓને પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયાસો આદર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં વિપુલપ્રમાણમાં જથ્થો ઢોળાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ખાતર બનાવતી દેશની અગ્રગણ્ય સહકારી મંડળી ઈફ્કોનો મોટો પ્લાંટ કંડલામાં આવેલો છે. ફર્ટીલાઈઝરના નિર્માણમાં ફોસ્ફરિક એસિડનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી ઈફ્કો દારા મોટા ટાંકાઓ બનાવીને તેમાં એસિડનો જથ્થો સંગ્રહિત રખાય છે. રવિવારના સવારે ઈફ્કો કંડલાના આવાજ એક ટાંકાના મુળના ભાગ પાસેથી અચાનક પડી ગયેલા બાકોરાથી એસીડ લીક થવા લાગ્યું હતું.

જેનું ધ્યાન જતા ઈફ્કો અધિકારીઓ, કર્મચારીઓએ તે ટાંકામાંથી જથ્થો બાજુના ટાંકામાં ટ્રાન્સફર કરવાની, તુટેલા ભાગને સીલ કરવા તેમજ ઢોળાયેલા એસીડના જથ્થા નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આવું કઈ રીતે થયું તે યક્ષ પ્રશ્ન છે. કંડલામાં અગાઉ પણ કંપનીઓમાંથી લીકેજ, ટાંકાઓમાં આગ જેવી ઘટનાઓ બની ચુકી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાના માનકોનું ગંભીરતાથી પાલન જરૂરી છે. અવાર-નવાર બનતા આવા બનાવો ચિંતાજનક છે.

તપાસ માટે કમિટી નિયુક્ત, અન્ય ટાંકીમાં એસીડ સ્થળાંતરિત કરાયું, પર્યાવરણને નુકસાન નહીં ઃ ઈફ્કો
ઈફ્કો પ્રશાસને આ અંગે જણાવ્યું કે અમારી ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજ ટાંકીના તળિયેથી હળવો લિકેજ થયો હતો, જેથી ફોસ્ફોરિક એસિડને અન્ય સ્ટોરેજ ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે અને લીકેજને તાત્કાલિક પકડાયું હતું. ટાંકીની નજીકના ઢોળાયેલા એસિડને ચૂનો દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે છે. અમે આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓને અનુસરી રહ્યા છીએ અને આ ખાતર નિર્માણમાંજ ઉપયોગ થતું રો મટીરીયલ હોવાથી જમીન કે પર્યાવરણને નુકશાન નહિ કરે. એસિડ સ્પિલેજ પણ રિકવર કરવામાં આવી રહ્યું છે. ઈફ્કો ઘટનાની સમીક્ષા માટે એક સમિતિની રચના કરાઈ છે, જે આ કઈ રીતે થયુ અને હવે ન થાય તે માટેની તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...