અકસ્માત:શિકારપુર પાસે બેકાબુ કાર રેલિંગમાં ટકરાતાં યુવાનનું મોત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં બેફામ ગતિ અને બેદરકારીથી થયેલા 3 અકસ્માતમાં 3 જીવ ગયા : ત્રણ ઘાયલ
  • મીઠીરોહર પાસે રસ્તો ઓળંગતા યુવકનો જીવ અજાણ્યા વાહન અડફેટે ગયો
  • ચોપડવાની કંપનીમાં ડમ્પર નીચે કામદાર ચગદાયો

પૂર્વ કચ્છમાં બેફામ ગતિ અને બેદરકારીથી સર્જાયેલા 3 અકસ્માતની ઘટનામાં બ3 જીવ ગયા હતા, જેમાં સુરજબારી પાસે બેકાબુ બનેલી કાર રેલિંગ એંગલમાં ટકરાતાં માળિયાના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને ચાલક સહિત 3 ઘાયલ થયા હતા, મીઠીરોહર પાસે રસ્તો ઓળંગતા યુવાનનો જીવ અજાણ્યા વાહનની અડફેટે ગયો હતો, તો ચોપડવાની કંપનીમાં ચાલકે મોટી ગાડી બેદરકારી પૂર્વક રિવર્સમાં લેતાં તોતિંગ ટાયરો કામદાર ઉપરથી ફરી વળતાં જીવ ગુમાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મોરબીના માળિયા મિયાણા રહેતા 32 વર્ષીય રજબભાઇ ઉર્ફે રાજુ ઇશાભાઇ જેડા, સિરાજ હનિફભાઇ મોવર, અહેમદ હરદોરભાઇ જેડા અને ફારૂક હસનભાઇ જેડા ચાર મિત્રો ગત રાત્રે માળિયાથી કાર લઇ ખારીરોહર ખાતે આવેલી અલાના પીરની દરગાહના મેળામાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે શિકારપુર નજીક ચોરાવાળી વાંઢ પાસેના કટમાં ટાયર સ્લીપ થતાં કાર ચાલક અહેમદ હરદોરભાઇ જેડાએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બેકાબુ કાર ડાબી બાજુના રોડની રેલિંગ એંગલમાં ટકરાઇ ડિવાઇડર કૂદી પલટી મારી ગઇ હતી.

આ અકસ્માતમાં 28 વર્ષીય સિરાજ હનિફભાઇ મોવરને માથામાં અને જમણી બાજુની પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. તો રજબભાઇ, કાર ચાલક અહેમદ અને ફારુકને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. રજબભાઇએ કાર ચાલક અહેમદ વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ આ ઘટનાથી આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર અને સમાજમાં માતમ છવાયો છે.

મુળ રાજસ્થાન પાલીના હાલે ગાંધીધામ રહેતા 41 વર્ષીય કાલુરામ ગુમાનરામજી રેગર ગત સાંજે મીઠીરોહર કામ અર્થે ગયા હતા. તેઓ હાઇવે પર રિલાયન્સ પેટ્રોલપમ્પ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ જતા અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. મૃતકના ભત્રીજા પિંટુ શ્રવણકુમાર ત્રુવેશે બી-ડિવિઝન પોલીસ મથકે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

તો મુળ ઉત્તરપ્રદેશના હાલે ચોપડવા શ્રીરામ કેમ ફૂડ કંપનીમાં સંગીતકુમાર હીરાલાલ રાજપૂત શ્રીરામ કેમ ફૂડમાં કામ કરી રહ્યો હતો ત્યારે બેદરકારી પૂર્વક રીવર્સ લઇ રહેલા મોટી ગાડીના ચાલકે તેને અડફેટે લેતાં તેના કમરથી લઇ બે પગ કચડાઇ ગયા હતા જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરૂધ્ધ તેમણે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંજારમાં બેકાબુ બોલેરો અડફેટે યુવાનને ઇજા, દીવાલ અને છાપરુ તુટ્યા : 2 વાહનને નુકસાન
અંજારના દેવળીયા નાકા પાસે આવેલા બગીચા નજીક બેકાબુ બનેલા બોલેરોના ચાલકે ઉભેલા 30 વર્ષીય અકબર આમદ રાયશીને અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી, એટલું જ નહીં તેને ટક્કર માર્યા બાદ તે બોલેરો વકીલ રમજાનભાઇ બાયડની ઓફિસની દિવાલમાં ભટકાતાં તે તૂટી હતી તેમજ મિનાજ રૂસ્તમ અને ઇકબાલ શેખની એક્ટિવામાં નુકશાન પહોંચાડ્યું હતું. તો આ બેકાબુ બોલેરોના ચાલકે અભુભાઇ બાયડની ગાયને ઇજા પહોંચાડી અને ગનીભાઇ બાયડની ગેરેજનું પતરૂં પણ તોડી નાખ્યું હતું. અકબરે બોલેરો ચાલક કિર્તીરાજસિંહ હરૂભા જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...