હુમલો:ગાંધીધામમાં ક્રિકેટની બોલાચાલી બાદ તરૂણ પર છરીથી કરાયો હુમલો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પાટા પાસે ગ્રાઉન્ડમાં બની ઘટના, છરી મારીને બે ઈંચ ઉંડો ઘા કરાયો
  • ​​​​​​​કાર્ગો આઝાદનગરમાં બનેલી ઘટનામાં 4 વિરૂધ્ધ ફોજદારી નોંધીને પોલીસે તપાસ આદરી

ગાંધીધામના કાર્ગો આઝાદનગરમાં ક્રિકેટની રમતમાં બોલાચાલી થયા બાદ ચાર જણાએ 16 વર્ષીય તરૂણ ઉપર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના બ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ઘાયલ કિશોરને હોસ્પિટલ ખસેડાતા તબીબે ઘાવ ઉંડો હોવાનું અને મસલ ફાટી ગયું હોવાનું જણાવ્યું હતું, પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કાર્ગો આઝાદનગર શિવ મંદિર બાજુમાં રહેતા રેખાબેન નરેશભાઇ નટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત મોડી સાંજે સાડા સાત વાગ્યે તેઓ પતિ વિરેન્દ્રભાઇ અને 16 વર્ષીય વિપુલ સાથે ઘરે હતા ત્યારે વિપુલને ફોન આવતાં તે સાજિદ નટનો ફોન હોવાનું અને રાજુભાઇની દુકાને બોલાવે છે કહી ત્યાં નિકળી ગયો હતો.

સાડા આઠ વાગ્યે તેમને પુત્ર વિપુલના ફોન પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારા પુત્ર વિપુલને સાજિદ નટ, મયુર નટ તથા બે અજાણ્યા ઇસમોએ માર માર્યો છે જલ્દી આવો, આ જાણ થતાં તરત તેઓ રાજુભાઇની દુકાને ગયા તો તેમના 16 વર્ષીય પુત્ર વિપુલને કમર અને ડાબા હાથના બાવળામાંથી લોહી નિકળતું હોવાથી પતિને બોલાવી તાત્કાલિક રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો.

તબીબે વિપુલને કમરમાં બે ઇંચ ઉંડો છરીનો ઘા હોવાનું અને ડાબા હાથના મસલ ફાટી ગયા હોવાનુ જણાવ્યું હતું. આ બાબતે વિપુલને પુછતાં તેણે જણાવ્યું હતું કે સાંજે રેલ્વે પાટા પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે મયુર અને સાજિદ સાથે બોલાચાલી થઇ હતી તેનું મનદુ:ખ રાખી હુમલો કરાયો છે. ઇજાગ્રસ્ત વિપુલના માતા રેખાબેને હુમલો કરનાર સાજિદ બાબુભાઇ નટ, મયુર રખાપત નટ, શંકર અને કરણ વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...