નગરસેવકોનો હલ્લાબોલ:‘નકામા રસ્તા બનાવતી એજન્સીને ફરી કામ કેમ?’

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત કાઉન્સીલરોએ ઠેકેદારને કામ આપવાનો વિરોધ કર્યો
  • અગાઉ કરોડોના કામો કરનાર એજન્સીનું કામ યોગ્ય ન હોવાની રાવ, ત્રણ નોટિસ અપાઇ હતી

ગાંધીધામમાં ખસ્તાહાલ માર્ગોને બનાવવા માટે જુની અને અયોગ્ય કામ કરતી એજન્સીનેજ કામ ફરી આપવાની તજવીજથી રોષેભરાયેલા 15થી વધુ જાગૃત નગરસેવકો નગરપાલિકા કચેરીએ ધસી જઈને સીઓને ફરિયાદ કરી હતી. અગાઉ પણ આજ ઠેકેદાર દ્વારા ખસ્તાહાલ કામ કરાયા હોવાની અને સમયસીમાનું પણ પાલન ન કરાતા નોટિસો પણ પાઠવાઈ હોવાના સંદર્ભો ટાંકવામાં આવ્યા હતા.

ગાંધીધામમાં ચોમાસા બાદથી ખસ્તાહાલ માર્ગોનો પ્રશ્ન વ્યાપક રુપે ઉઠવા પામેલી ફરિયાદો બાદ હવે છેક નગરપાલિકાએ કરેલી દરખાસ્તના રોડ રીસર્ફેસીંગની ગ્રાન્ટ મંજુર થઈને આવતા અગાઉથી અપાયેલા ટેન્ડર મુદે પાલિકામાં વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો. પાલિકાના કેટલીક સમિતિઓના ચેરમેન સહિત નગરસેવકોએ અંકિત કંટ્રક્શનનેજ આ કરોડોના રોડના કામો આપવામાં આવ્યાનો વિરોધ કરીને ફરી ટેન્ડર કરવા કે સભાના પટલ પર મુદાને રાખવાની ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી હતી.

રજુઆત કરતા કાઉન્સીલરોએ કહ્યું કે આ એજન્સી દ્વારા અગાઉ શહેરમાં કરોડોના રોડના કામો કરાયા હતા,જેની હાલત ખસ્તા છે તો કેટલીક સમય સીમામાં તે માર્ગોની ફરી રીસર્ફેસીંગ કરવાની જવાબદારી હોવા છતાં તેનો નિભાવ કરાયો નહતો. અધુરામાં પુરુ તે પેઢી સામે પાલિકા ખુદ ત્રણ નોટિસો આપી ચુકી છે અને સભામાં તેને બ્લેક લીસ્ટેડ કરવા સુદ્ધાની માંગ થઈ ચુકી છે ત્યારે ફરી તેને કામ અપાતા શહેરની આ કુસેવા થશે અને લોકો ફરી સમસ્યાઓનો સામનો કરશે. સીઓએ આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે તેવી હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...