આદિપુરના ઘોડાચોકી વિસ્તારમાં વરસાદી નાળા પાસે આવેલા કેટલાક વાડાઓને ત્યાંથી હટી જવા વારંવાર સુચના અપાઈ છે, પરંતુ સામા પક્ષે એવો દાવો કરાઈ રહ્યો છે કે આ જમીન અંતરજાળ ગ્રામ પંચાયતમાં આવે છે, પાલિકામાં નહિ, આવી પરિસ્થિતિમાં તેવો કઈ રીતે અહી દબાણ હટાવ કરી શકે.
ઘોડાચોકી વિસ્તારમાં વરસાદી નાળાની સફાઈ, રોડ નિર્માણ સહિતના કાર્યોને છેલ્લા કેટલાક સમયથી કરાઈ રહ્યા છે ત્યારે આજે પાલિકા દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગીને દબાણ હટાવવાની તજવીજ હાથ ધરવાનો પ્રયાસ કરાશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. જેની સામે ચારવાળી વિસ્તારના ગોપાલ આહીરે સીઓને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે કેશરનગર 1 વરસાદી નાળા પાસેના કાચા બાંધકામોને છેલ્લા ત્રણેક દિવસથી પાલિકા કર્મચારીઓ આવીને 10મી સુધીમાં ખાલી કરી દેવાની મૌખીક જણાવાઈ રહ્યું છે. જે ખરેખર કાયદાકીય નથી અને લેખિતમાં કાંઈ અપાયું નથી.
તો નકશામાં કેશરનગર વિસ્તારમાં આવે છે જે અંતરજાળ ગ્રામ પંચાયત હસ્તક છે, જેણે કોઇ લેખીત ઠરાવ કે મંજુરી નગરપાલિકાને આપી નથી. આવી પરિસ્થિતિમાં દબાણ હટાવવાનું દબાણ કઈ રીતે કરી શકે અને પાલિકા દબાણના નામે હેરાન કરતી હોવાની રાવ કરીને જો રહેવાસીને સતાનો દુરપયોગ કરીને આ માટે મજબુર ન કરી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું.
આ સાથે જો માનસિક ત્રાસ કરાશે તો પાલિકા કચેરીએ આત્મ વિલોપન કરવા મજબુર થશે તેમ જણાવાયુ હતું. નોંધવું રહ્યું કે આ વિસ્તાર ખરેખર કોની હદમાં આવે છે તેનો લાંબા સમયથી પેચ ફસાયેલો છે. પાલિકા અહી કેટલાક કામો કરવા માંગે છે, પરંતુ કેટલાક બાંધકામ હટાવ્યા વિના તે સંભવ ન હોવાનો તેમનો દાવો છે, જ્યારે કે તે અયોગ્ય તર્ક હોવાનું અરજકર્તાઓ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.