રશીયા યુક્રેન યુદ્ધના કારણે અન્ય દેશોમાં મળી ન રહેલા ઘઉંનો જથ્થો ભારત આપી રહ્યો હોવા અંગે ગર્વ લેવાથી ન અટકતી સરકારને અચાનક વાસ્તવીકતાનું ભાન થયું હોય તેમ ગત રોજ અચાનક નોટિફિકેશન બહાર પાડીને ઘઉંના એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. અગાઉ લાલજાજમ પાથરીને એક્સપોર્ટ માટે પ્રયાસો કરતું અને ઘઉંની લોડીંગ માટે વેસલોને પ્રાથમિકતા આપતું પોર્ટ અને પ્રશાસન હવે તેના દ્વારે પડેલા 2 મિલિયન ટનથી વધુ ઘઉંનું શું કરીશું તે અંગે મૌન સેવી રહ્યું છે. આ નિર્ણય દેશમાં વધતા ઘઉંના ભાવો અને આવશ્યકતાને ધ્યાનમાં લઈને લેવાયો હોવાનું ભારત સરકાર દ્વારા જણાવાયું હતું.
નિકાસ પર પ્રતિબંધની નોટિફીકેશન જાહેર
વિશ્વના બે દેશો વચ્ચે ચાલતા યુદ્ધ અને તેના કારણે તેમના પર ઘઉં માટે નિર્ભર દેશોને ન મળતા ઘઉંના જથ્થાની આપુર્તી ભારત દ્વારા ગત મહિનાથી અતિ ઉત્સાહ સાથે શરૂ કરી દેવાઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશની અંદર પણ ઘઉંના વધતા ભાવોથી ડઘાઈ ગયેલી સરકારે શનિવારે અચાનક નોટિફીકેશન બહાર પાડીને 13મે સુધી આવેલા, એલસી કઢાવેલા ઘઉં સિવાયની નિકાસ પર પ્રતિબંધ ઘોષિત કરી દીધો હતો.
કંડલા કસ્ટમે લોડીંગ અટકાવી દીધું
દેશભરમાંથી ઘઉંની થતી નિકાસમા 75% માત્ર કંડલાથી થઈ રહ્યું છે ત્યારે અંદાજે 2 મિલિયન ટન જેટલા ઘઉં આજે પણ એક્સપોર્ટ થવા ખડકાયેલા પડ્યા છે ત્યારે તેમનું શું થશે તે અંગે અસંજસની સ્થિતિ ઉભી થઈ છે. અધુરામાં પુરુ કંડલા કસ્ટમ દ્વારા એલસી હોવા છતાં નોટિફિએકશનનો હવાલો આપીને ડીજીએફટીમાં તેનું રજીસ્ટ્રેશન હોવું જોઇએ,તોજ લોડ કરવા દેશું, તેનો નિર્દેશ આપીને લોડીંગ અટકાવી દીધું હતું. જેના કારણે કંડલા પોર્ટ પર 4 જહાજમાં ચાલતું લોડીંગનું કામ કાજ અટકી ગયું હતું.
નિયમો અનુસાર તાગ મેળવવા તપાસ
કસ્ટમની આ પાછળ અન્ય મુરાદો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી. ડીપીએના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે પરિસ્થિતિનો નિયમો અનુસાર તાગ મેળવવા અને યોગ્ય દિશામાં આગળ વધવા પોર્ટ પ્રશાસન દ્વારા જરૂરી પગલા ભરાઈ રહ્યા છે.
અચાનક નિર્ણયથી એક્સપોર્ટરોને કરોડોનું નુકશાન ભોગવવું પડશેઃ ટ્રેડ
ઘઉંની નિકાસ સાથે જોડાયેલા ટ્રેડના સુત્રોએ જણાવ્યું હતું કે અચાનક આવો નિર્ણય લાવવાથી નિકાસકારોને કરોડોનું નુકશાન ભોગવવું પડશે, સરકારે સપ્તાહ જેટલો સમય આપવાની જરૂર હતી. તો ટ્રેડ પોતાની રીતે કાર્ગોને મેનેજ પણ કરી શકત. પણ અચાનક લદાયેલા પ્રતિબંધોના કારણે એક્સપોર્ટરો હવે આ માલ સાથે શું કરે? અને પડ્યો પડ્યો પણ તેની કિંમત ઓછી થઈ રહી છે. આ ખુબ મોટુ નુકશાન છે, સરકાર સ્થાનિક ધોરણે ફુડ સિક્યોરીટી કરવા ઈચ્છતી હોય તે દ્રષ્ટીકોણથી બરાબર છે. પણ ટ્રેડ આટલુ નુકશાન ભોગવે તે તેમની પોલીસી મેકિંગમાં ખામી તો છેજ.
અમે માત્ર DGFTની માર્ગદર્શીકા ફોલો કરી રહ્યા છીએઃ કસ્ટમ
કંડલા મુંદ્રા કસ્ટમ કમિશનર ટી. રવીએ જણાવ્યું કે અમે ડીજીએફટીના નિયમોનું પાલન કરી રહ્યા છીએ, જે અનુસારજ તમામ પ્રક્રિયા પાર પાડવામાં આવશે. એલસી દેખાડીને લોડીંગ કરવા મુદે પણ અગાઉ આપેલા નિવેદનમાં ફેરવી તોડીને ડીજીએફટી રજીસ્ટ્રેશન આવશ્યક હોવાનો રાગ આલાપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.