ગાંધીધામ ચેમ્બર ખાતે પૂર્વ કચ્છ પોલીસેે બોર્ડર રેન્જ આઇજીપી, પૂર્વ કચ્છ પોલીસવડા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં સંવાદ સત્રનું આયોજન કરી વિવિધ મુદ્દાઓ પર વિમર્શ કર્યો હતો ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ક્ચ્છમાં ચોરી, લૂંટ, ઓનલાઇન ફ્રોડ, ટ્રાફિક સમસ્યા, અકસ્માત કે યુવાધનમાં વ્યાપેલ ડ્રગ્સ-નશાના દુષણોને ડામવા માટે ચેમ્બર હર હંમેશ આવા પરિસંવાદનું આયોજન કરતી આવી છે.
સંચાલન કરતાં ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ ટ્રેડ તરફથી ખાત્રી આપી પોલીસ વિભાગની સરાહના કરતાં જણાવ્યું હતું કે, આદિપુર-ગાંધીધામ-કંડલા સંકુલમાં કાયદો વ્યવસ્થાને લગતા ઘણા પ્રશ્નો હલ થયા છે અને હજુ પણ પ્રશ્નો રજુ કરી શકાશે, તેમ કહી પ્રશ્નોતરી માટે ફોરમ ખુલ્લું મુકાવ્યું હતું.
ટ્રેડ અને વિવિધ સંસ્થાઓમાંથી ઉપસ્થિત મુખ્યત્વે ઉદ્યોગપતિ દિપક પારખ, ગુડસ ટ્રાન્સપોર્ટના દશરથસિંહ ખાંગોરત, વેપારી મંડળના રાજુ ચંદનાની, અખિલ ભારતીય નવયુગ સંસ્થાના રાજભા ગઢવી, યુથ વિંગના અંક્તિ મોદી, ઉમેશ ઠક્કર, કિડાણા પંચાયતના વિનભાઇ જરૂ, લાલજી દેવરીયાએ મુખ્ય પ્રશ્નોમાં હાઇવે પર તથા સર્વિસ રોડ પર પાર્કીંગને કારણે થતાં ટ્રાફિક જામ, અંતિરયાળ રોડ પર થતાં ચોરી-લુંટના બનાવો, રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અસ્માત નિવારવા, વડોદરા-વાપી જેવા વિસ્તારમાં હેવી વ્હીકલ્સ માટેની અલગ લાઇનનું આયોજન છે તેવું કચ્છના ધોરી માર્ગો ઉપર લાગુ કરવા, હાઇવે પર થતી માલ કે ડીઝલની ચોરી અટકાવવા તથા ઓનલાઇન ફ્રોડની સમસ્યા નિવારવા મુખ્યત્વે સૂચનો કર્યા હતા.
ક્ચ્છ બોર્ડરવિંગના આઇ.જી. જે.આર. મોથાલીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં બહારથી રોજગાર અર્થે આવતા લોકોનો ટ્રેડ એસોસીએશન જ રેકોર્ડ રાખે જેથી પોલીસ વેરીફીકેશન થકી તેમનો ઇતિહાસ જાણી શકાય. સુચારૂરૂપે કાયદો વ્યવસ્થાનો પ્લાન બનાવવા જઇ રહયા છીએ જે આગામી માસમાં જ અમલમાં આવશે તેમજ તેનું મોનીટરીંગ પણ થશે તેમ જણાવ્યું હતું. એસ.પી. મહેન્દ્ર બગડિયાએ સમાપન કરતાં જણાવ્યું હતું કે, સરકાર પણ લોકોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ છે અને કોઇ પણ અગવડ ઉભી થાય કે તરત જ નિઃસંકોચપણે અમારો સંપર્ક સાધી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.