કંડલા મરિન પોલીસે બાતમીના આધારે કાલબેલિયા ઝૂંપડા વિસ્તારમાં વાડામાં રાખેલા આધાર પુરાવા વગરના શંકાસ્પદ રૂ.1.72 લાખના ઘઉંના જથ્થા સાથે બે ઇસમોની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ સી.ટી.દેસાઇ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન બાતમી મળી હતી કે, કાલબેલિયા ઝૂંપડા વિસ્તારમાં ગોરધન ઉર્ફે ગોદૂ નાથના ઝૂંપડા પાછળ આવેલા ખુલ્લા વાડામાં ઘઉં ભરેલી પ્લાસ્ટિકની બોરીઓ પડી છે.
આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી રૂ.1,72,500 ની કિંમતના 6900 કિલોગ્રામ ઘઉંની 138 બોરીઓના આધાર પુરાવા બાબતે પૂછતાં તેમની પાસે કોઇ પુરાવા ન હોતાં આ જથ્થો છળકપટ કે ચોરીથી મેળવેલો હોવાનું લાગતાં ગોરધન ઉર્ફે ગોદૂ નાથ તથા કરણ રમેશભાઇ ગોલાણીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ સાથે હેડકોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા અને જયપાલસિંહ પરમાશ્ર સહિતની ટીમ જોડાઇ હતી.
હાલ જ્યારે ઘઉંની મોટા પ્રમાણમાં નિકાસ બંદર ઉપરથી કરવામાં આવી રહી છે ત્યારે આવા તત્વો સક્રીય થયા છે. જો હજી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો આ પ્રકારની વધુ ચોરીનો પર્દાફાશ થઇ શકે તેમ છે. પકડાયેલા આરોપીઓએ ક્યાંથી આ જથ્થો મેળવ્યો કોના ઇશારે મેળવ્યો એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. નોંધવુ રહ્યું કે હાલ સમગ્ર દેશથી ઘઉંનો મોટો જથ્થો અન્ય દેશોમાં એક્સપોર્ટ થવાના હેતુથી કંડલા આવી રહ્યો છે. ત્યારે આ વિપુલ પ્રમાણમાં આવતા જથ્થાની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચીંત કરવી અત્યંત આવશ્યક બની ગયું હોવાનો સુર પણ ઉઠવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.