જનઆરોગ્ય:સપનાનગર અને મહેશ્વરીનગરમાં બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં હાલ કાર્યરત 5 સિવાય વધુ બે કેન્દ્રને સરકારની મંજુરી
  • વધતી જનસંખ્યાને પહોંચી વળવા વધુ કેંદ્રોની લાંબા સમયથી હતી આવશ્યકતા, હજુ 1 મંજુરીની રાહમાં

રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામમાંની વધતી જનસંખ્યાના આધારે પ્રસ્તાવિત વધુ બે અર્બન હેલ્થ સેન્ટરના શરૂ કરવા માટે આખરે રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે.જેના કારણે હવે સપનાનગરના જગજીવન નગર અને મહેશ્વરીનગરમાં પણ આરોગ્ય કેંદ્ર શરૂ કરાશે. આ અંગે પુછતા તાલુકા હેલ્થ ઓફિસરે મંજુરીની વિગતો અંગે સહમતી દર્શાવીને અંદાજે મહિના જેટલા ગાળામાં તેને શરૂ કરવાનો પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું.

ગાંધીધામમાં હાલે ગણેશનગર, ભારતનગર, કાર્ગો વિસ્તાર, આદિપુરના 4બી અને 64 બજાર આમ 5 સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે. જેમાં વધતી જનસંખ્યાના અને વિસ્તારોને ધ્યાનમાં રાખીને નવા બે શહેરી આરોગ્ય કેંદ્રની જરૂરીયાત હોવાનો પ્રસ્તાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરાયો હતો.

જેને મંજુરી મળતા હવે જગજીવન નગર અને મહેશ્વરી નગરમાં પણ અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. નોંધવુ રહ્યું કે ગત કેટલાક વર્ષોમાં ઔધોગિક વિકાસના પગલે જનસંખ્યામાં વધારો થયો, કોરોના કાળમાં આરોગ્ય સુવિધાઓની તાતી જરૂરીયાતના સમયે તેની ખોટ સાલી હતી ત્યારે હવે સંકુલમાં વધુ બે હેલ્થ સેન્ટર બનતા લોકોને વધુ સારી સુવિધાઓ મળી શકસે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે. બીજી તરફ એક પ્રાથમિક આરોગ્ય કેંદ્રની દરખાસ્ત પણ થયેલી છે, જે માટે મંજુરીની મહોર લાગવાની રાહ જોવાઈ રહી છે.

ભાડાના મકાનમાં આરોગ્ય કેંદ્રો : પોર્ટ જમીન આપતી નથી, નેતાઓ બોલતા નથી
તપાસ કરતા બહાર આવ્યું કે હાલમાં કાર્યરત 5 અર્બન હેલ્થ સેન્ટરમાંથી એકજ આદિપુરના 64 બજારનું સેન્ટર પોતાની જગ્યા ધરાવે છે, બાકીના 4 ભાડે ચાલી રહ્યા છે. સરકારી ગ્રાન્ટ સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં માત્ર રાજ્ય સરકાર પાસે જમીન ન હોવાના કારણે તેમજ પોર્ટ જમીન આપતી ન હોવાના કારણે આવા ઘણા જનપયોગી પ્રોજેક્ટ્સ કે વહેલાજ થવા જોઇતા હતા, તે અટકેલા પડ્યા છે. આશ્ચર્યની વાત એ પણ છે કે આ અંગે જનપ્રતિનીધીઓ, રાજનેતાઓ કોઇને દબાણ પુર્વક રજુઆત કરતા કે જે તે પોલીસીમાં એકજ સરકાર તમામ સ્તરે હોવાથી બદલાવ કરવાની માંગ કરતા પણ જોવા મળતા નથી.

અન્ય સમાચારો પણ છે...