પૂર્વ કચ્છમાં મારામારી હુમલાના 4 બનાવમાં 4 જણા ઘાયલ થયા હતા તો 16 વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં મેઘપર બોરીચી ખાતે સામાન્ય વાતમાં બે પરિવાર બાખડ્યા હતા જેમાં ગર્ભવતી મહિલા સહિત બે ઘાયલ થયા હતા, તો સામખિયાળી ટોલ પ્લાઝા પર ચાર્જ ચૂકવવા મુદ્દે બોલેરોમાં આવેલા ત્રણ જણાએ ટોલ નાકાના સુપરવાઇઝરને લાકડી વડે માર માર્યો હતો.
અંજાર પોલીસ મથકે મેઘપર બોરીચીના સંસ્કારનગમાં રહેતા 28 વર્ષીય કેશરબેન નાગજીભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પડોશમાં રહેતા તરૂણાબા જનકસિંહ ઝાલા એઠવાડ નાખવા બહાર આવ્યા ત્યારે તેમની ગાય એઠવાડ માટે નજીક ગઇ તો તરુણાબાએ ગાયને ધોકો મારી ભગાડતાં તેમણે અબોલ જીવને કેમ મારો છો ?
કહેતાં બોલાચલી બાદ તેમના પતિ જનકસિંહ ઝાલા, ભાઇ અર્જુનસિંહ ચુડાસમા, દિકરા શક્તિસિંહ જનકસિંહ ઝાલા, ઋષિરાજસિંહ જનકસિંહ ઝાલાએ ધોકા અને લાકડી વડે તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતે ગર્ભવતી હોવાને કારણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ હતી.
તો સામે પક્ષે શક્તિસિંહ જનકસિંહ ઝાલાએ ફરિયાદમાં એક જણાવ્યું હતું કે,પડોશી નાગજીભાઇએ તમે અમારી વાડ કેમ કાપી નાખો છો કહી બોલાચાલી કર્યા બાદ કેશરબેને પથ્થરના છૂટા ઘા કરતાં તેમને ડાબા કાનમાં ઇજા પહોંચી હતી, નાગજીભાઇ , ખેતાભાઇ રબારી અને જુમાબેન ગોકળભાઇ રબારીએ ધોકા વડે ઇજા પહોંચાડી હતી. બન્ને પક્ષની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો મુળ પાટણના હાલે સામખિયાળી રહેતા અને ટોલ પ્લાઝામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલદાન મનહરદાન ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મધરાત્રે ટોલનાકાના બુથ 5 પર આવેલી બોલેરોમાં ફાસ્ટ ટેગ ન હોવાને કારણે કર્મચારીએ પૈસા માગતાં બોલેરોમાં સવાર ત્રણ જણાએ બબાલ કરતાં તેમને સમજાવવા જતાં આ ત્રણેએ ટોલ ટેક્સ અમે નહીં જ ભરીએ કહી લાકડી વડે તેમને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. સામખિયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સામખિયાળીમાં જુની અદાવતમાં 4 જણાએ ધારિયા-પાઇપથી યુવાન પર હુમલો કર્યો
શિવલખાના દરબારવાસમાં રહેતા 27 વર્ષીય હરપાલસિંહ હમીરજી જાડેજા સામખિયાળી રેલ્વે સ્ટેશન સામેના સર્વિસ રોડ પર ઉભા હતા ત્યારે તેમના ગામના જ નવલસિંહ વજુભા જાડેજાએ કારની ટક્કર મારી તેમને પાડી દીધા બાદ ત્યારબાદ ધારીયા અને પાઇપ સાથે નિચે ઉતરી નવલસિંહ , વિરમજી ઝાલા, સ્વરુપસિંહ જીલુજી જાડેજા અને નવલસિંહ વજુભા જાડેજાનો સાળાએ નિચે ઉતરી હાથ,પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલો પાંચ માસ પહેલા થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી કરાયો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. સામખિયાળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુધઇમાં પોતાના ખેતરની સુખડીના પૈસા માગનાર પ્રૌઢને માર પડી
મુળ ટપ્પરના હાલે અંજાર રહેતા 53 વર્ષીય અરજણભાઇ સામતભાઇ હેઠવાડીયાએ પોતાનું ટપ્પર ખાતે આવેલું ખેતર માદેવાભાઇ કાનાભાઇ હેઠવાડીયા અને શિવમભાઇ હેઠવાડીયાને બે વર્ષથી સુખડી પર આપેલું છે. પરંતુ બે વર્ષની સુખડીના રુપિયા અવાર નવાર ફોન કરતા પણ આપતા ન હતા. તા.9/6 ના ફોન કર્યો તો માદેવાભાઇએ દુધઇ હોસ્પિટલ પાસેની હોટલ પર આવવાનું કહેતાં તેઓ ત્યાં ગયા તો આ બન્ને જણાએ સુખડીના પૈસાને બદલે ધોકા વડે માર મારી હાથમાં ઇજા પહો઼ચાડી હતી. દુધઇ પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.