ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાં દરોડો પાડી બે બાળ શ્રમીકોને મુક્ત કરાવી કંપનીના માલિક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. આ બાબતે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામના બાળ મજુરી અધિનિયમ 1986 હેઠળના નિરિક્ષક સરકારી શ્રમ અધિકારી એચ.એમ.પટેલે બાતમીના આધારે ગત બપોરે ગાંધીધામ કારખાના નિરિક્ષક અભિજિતસિંહ પી. ઝાલા, ચાઇલ્ડ લાઇનના સલીમભાઇ સમા, મોહિનીબા રણછોડસિંહ ચૌહાણ, ગાંધીધામ પાલિકાના શોપ ઇન્સ્પેક્ટર આનંદભાઇ ઉદવાણી, બી-ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ રવીકુમારને સાથે રાખી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રીજી ટ્રેડલીંક સર્વિસ કંપનીમાં દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન કંપનીમાં કામ કરી રહેલા બે બાળ શ્રમિકોને મુક્ત કરાવી ભુજ બાળ સંરક્ષણ ગૃહ માં સુપરત કરાયા હતા. તો બાળ મજૂરી કરાવી કાયદાનો ભંગ કરનાર શ્રીજી ટ્રેડલીંક સર્વિસ કંપનીના પ્રેમદેવી સુભાષ ગોયલ વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ 3-એ તળે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગોથી ધમધમતા આ આર્થીક પાટનગરમાં બાળ મજુરી પર પ્રતિબંધ હોવા છતાં અનેક ક઼પનીઓમાં નિયમોને નેવે મુકી બાળ મજૂરી કરાવાઇ રહી છે. અગાઉ આ બાબતે અનેક રજુઆતો પણ કરવામાં આવી છે તો અનેક ગુનાઓ પણ નોંધાયા છે પણ જૈસે થે જેવી સ્થિતી સર્જાતી રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.