અકસ્માત:પડાણા પાસે ટેમ્પો, કાર અને ટ્રેઇલરનો ત્રિપલ અકસ્માત

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ હાઇવે પર બેફામ વાહન વ્યવહારને કારણે સર્જાયા બે માર્ગ અકસ્માત
  • કાર્ગો ઝૂંપડા નજીક ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં ઘઉં ભરેલું ટ્રેઇલર પલટી મારી ગયું

ગાંધીધામ નજીક હાઇવે અને સર્વિસ રોડ પર થતા બેફામ વાહન વ્યવહારને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની ગઇ છે જેમાં પડાણા પાસે આગળ જતા ટેમ્પો ચાલકે બ્રેક મારતાં પાછળ આવતી કાર ટેમ્પોમાં ઘૂસી ગઇ હતી અને કાર પાછળ આવતું ટ્રેઇલરકારમાં પાછળ અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જો કે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, તો કંડલા ગાંધીધામ વચ્ચે ઘઉં ભરેલું ટ્રેઇલર ચાલકે કાબુ ગુમાવતાં પલટી મારી ગયું હતું. આ બન્ને અકસ્માતની ઘટનાઓ મોડે સુધી પોલીસ ચોપડે ચડ્યા ન હતા.

પડાણા પાસે સવારે બનેલી ઘટનામાં આગઇ જઇ રહેલા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલા કાર ચાલક દ્વારા કંટ્રોલ ન થતાં ટેમ્પો પાછળ ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં પાછળ આવતા ટ્રેઇલરના ચાલકથી પણ કાબુ ન મેળવાતાં તે કારમાં પાછળ અથડાયું હતું. આ ત્રિપલ અકસ્માતમાં સદ્દભાગ્યે કાર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જો કે પોલીસ ચોપડો મોડે સુધી કોરો રહ્યો હતો.

તો બીજી તરફ કંડલા-ગાંધીધામ ધોરી માર્ગ પર કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તાર પાસે ઘઉં ભરેલું ટ્રેઇલર લઇને જઇ રહેલા ચાલકે કાબુ ગુમાવતાં ટ્રક ડિવાઇડરમાં અથડાઇ પલટી મારી ગઇ હતી જેમાં ઘઉંની બોરીઓ રોડ પર વિખેરાઇ હતી. આ અકસ્માતમાં પણ પોલીસ ચોપડો કોરો રહ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રાફીક કલાકો સુધી અવરોધાયો હતો.

ગતિ મર્યાદા અને સર્વિસ રોડ પર આડેધડ પાર્કિંગ જવાબદાર છે
એક તરફ ગાંધીધામ હાઇવે પર પડાણા પાસે નેશનલ હાઇવે ઓથોરિટીનું સમારકામ કેટલાય વર્ષોથી અધુરૂં છે, તો સર્વિસ રોડ પર મોટા વાહનો બેફામ ગતિથી ચલાવતા ચાલકો અને આ રોડ પર આડેધડ કરવામાં આવતા પાર્કિંગ આ પ્રકારના અકસ્માતો માટે જવાબદાર બને છે ત્યારે કડક કાર્યવાહી સતત કરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા હતા.