કંડલામાં ટ્રાફિક જામની સમસ્યા હવે રોજની બની રહી હોય તેમ ડીપીએ તરફ આવતા કાર્ગોની દિશામાં ગુરુવારે ફ્રેન્ડ્સ સોલ્ટ વર્કસથી કરી પોર્ટના વેસ્ટ ગેટ નં. 2 સુધી બે કિલોમીટર જેટલો લાંબો જામ લાગી ગયો હતો. સ્થળ પર ઉપસ્થિતોએ જણાવ્યું કે બપોરના 12 વાગ્યાથી લઈને આ જામ સાંજ સુધી રહ્યો હતો, જેને છુટો પાડવા દિવસના અંતે કાયદાના રખેવાળોએ દેખા દીધી હતી.
અહી ટ્રાફિક જામ થવાની પરિસ્થિતિ અંગે વારંવાર પ્રશ્નો ઉભા થતા રહ્યા છે ત્યારે કોઇ નક્કર અને કાયમી ઉકેલ ન આવતો હોય તેવુ દ્રશ્યમાન થઈ રહ્યું છે. બીજી તરફ અહી ઓવરબ્રીજના ચાલતા નવનિર્માણ કાર્ય અને તે સાથેજ ભારે વાહનોના ચાલતા ટ્રાફિકના કારણે ફાટક પર રોજ ટ્રાફિક સર્જાવાની ઘટના બની રહી છે.
સબંધિત સુત્રો પોર્ટ અને પોલીસની નિષ્ક્રીયતા, ખસ્તાહાલ માળખાને આ માટે જવાબદાર ગણી રહ્યા છે. તો પોર્ટ પ્રશાસને જેટી નં. 13 થી 16 પર મીઠા અને ઘઉંના વેસલ લાગેલા હોવાથી તે સંદર્ભે કાર્ગો આવી રહ્યાનું જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે ગત સપ્તાહે પોર્ટમાં આરએફઆઈડી સીસ્ટમ લાગુ કરવા અંગે આવતા અવરોધથી કંટાળીને લોકલ ટ્રાન્સપોર્ટરો દ્વારા કામકાજ ઠપ્પ કરી દઈ વિરોધ કરાયો હતો, જેના કારણે પોર્ટના અધિકારીઓ સાથે પુર્વ રાજ્ય મંત્રીએ પણ દોડી આવવું પડ્યું હતું.
ઘઉં ખાલી કરવા આવતા ડ્રાઈવરો માટે કોઇ દિશાસુચન નહી
ડીપીએ, કંડલામાં દેશભરમાંથી ઘઉંનો મોટો જથ્થો આવી રહ્યો છે ત્યારે અલગ અલગ સ્થળોએથી આવતા ઘઉંને ખાલી કરવા માટે ડ્રાઈવરોએ કઈ દિશામાં અને ક્યાં જવું તે માટે કોઇ દિશા સુચન ન કરાતા અને ઉપરથી પોર્ટમાં ઈન્ફ્રાસ્ટક્ચર સબંધિત કાર્યો પણ ધમધમી રહ્યા છે ત્યારે આ કનડગત પણ મોટુ કારણ ટ્રાફિકનું હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યા છે, આ સાથે રામદેવપીર ફાટક થી વેસ્ટ ગેટ સુધીનો ઉબડખાબડ સીંગલ પટ્ટી રોડ સહિતના ફેક્ટર પણ જબાવદાર હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું.
આ અંગે ડીપીએના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું એ દિશાસુચન લગાવવાની દિશામાં પોર્ટ તુરંત કાર્યવાહી કરી રહી છે,તો માળખાને વધુ સુદ્રઢ કરવા માટે પણ બહુઆયામી નિર્ણયો લઈને દિર્ઘદ્રષ્ટી સાથે પોર્ટ આગળ રહ્યું છે.
વેસ્ટ ગેટ 1 પર ટ્રક ખરાબ થયા બાદ 2 કલાકે હટાવાઇ કંડલાના વેસ્ટ ગેટ -1 ઉપર બીજી લેનમાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે, એક ટ્રક છેલ્લા કેટલાક કલાકોથી ખરાબ થઇ જતાં સ્થળ પર પડી રહી હતી. જેના કારણે પાછળ લાઇન ચોક થઇ જતાં ટ્રાફિક જામ થઇ રહ્યો હતો. પ્રશાસનના ધ્યાનમાં આવ્યાના બે કલાક બાદ ટ્રકને હટાવાઇ હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.