ગાંધીધામ રેલ્વે સ્ટેશનના રેલ્વે ગોદામ યાર્ડ પાસે મીઠાના ઢગલા પર પોઢી ગયેલા પ્રૌઢ ઉપરથી અજાણ્યા વાહનના તોતિંટ પૈડા ફરી વળતાં ચિર નિદ્રામાં પોઢી ગયા હોવાની ઘટના ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે નોંધાઇ છે. ઉત્તરપ્રદેશના કોયરપટ્ટીમાં રહેતા અને પ્રાઇવેટ સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદનસિંહ તારકેશ્વરસિંહ સ્વામીનાથસિંહ રાજપૂતે રેલ્વે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના 45 વર્ષીય પિતા તાર્કેશ્વર રાજપૂત વતનમાં ખેતી સાથે બહારના રાજ્યોમાં જઇ પ્લમ્બર કામ પણ કરતા હતા.
બે મહિના પહેલાં તેઓ ગામના જ લેબર કોન્ટ્રાક્ટર મોન્ટુસિંહ શ્રીકાન્તસિંહ બિહારના ગયા ખાતે કામ પૂર્ણ કરી કચ્છ આવ્યા હતા. છેલ્લા દસેક દિવસથી તેમના પિતાને વતન આવવાની ઇચ્છા હતી પરંતુ પૈસા ન હોતાં તેમને પૈસા પણ મોકલાવાયા હતા. 9 તારીખે તેઓ ઘરે આવવા ટ્રેનમાં બેસવાના હતા. પરંતુ રેલ્વે સ્ટેશનના માલ ગોદામ યાર્ડ પ્લેટફોર્મ નંબર 2 કંડલા તરફ મીઠાના ઢગલા પર સૂતા હતા તે દરમિયાન મધરાત્રે અઢી વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમના ઉપરથી વાહન ફેરવી દેતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું.
તેમનો મૃતદેહ રામબાગ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો હતો તેનો કબજો ફરિયાદી પુત્રએ લીધો હતો અને ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે જીવલેણ અકસ્માત સર્જી નાશરી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે રેલ્વે માલ ગોદામ યાર્ડ પાસે મોટા વાહનોના ચાલક બેફામ ગતિથી બેદરકારી રાખી દોડતા હોય છે જેને કારણે અગાઉ પણ અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે.
જે રાત્રે આ ઘટના બની તે પહેલાં પત્નીને હું આવું છું કહ્યું પણ કાળ આંબી ગયો
રેલ્વે સ્ટેશન નજીક મીઠાના ઢગલા પર સૂતા પહેલાં મૃતકે તેમના પત્ની સાથે ફોન પર વાત કરી હતી કે આજે હું ટ્રેનમાં બેસી ઘરે આવી રહ્યો છું પરંતુ ટ્રેનની રાહ જોવામાં તે મીઠાના ઢગલા પર પોઢી ગયા હતા અને ઘરે પહોંચવા નિકળે તે પહેલાં જ કાળ આંબી ગયો હતો. આ ઘટનાથી આ મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.