લોકોને હાલાકી:ટાગોર રોડ પર સુંદરપુરી સામે અઢી કલાક ટ્રાફિક જામ રહ્યો, એમ્બ્યુલન્સ પણ અટવાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્લો ઓવરબ્રિજના આયોજન વગરના કામને કારણે ખોરવાતા વાહન વ્યવહારથી લોકોને હાલાકી
  • કામ આગળ વધે તે પહેલાં જ સર્વિસ રોડ ક્લીયર થવો જોઇએ: ટ્રાફીક નિયમન માટે પણ વ્યવસ્થા નહીં

ગાંધીધામ અને આદિપુર વચ્ચેના 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતા ટાગોર રોડ પર છેલ્લા ઘણા સમયથી આ રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા ઓસ્લો ઓવર બ્રીજનું કામ ચાલુ છે, પરંતુ આ કામ ચાલુ થયું ત્યારથી આયોજન વગર થતા આ કામને કારણે આ રોડ પર અવર જવર કરતા લોકોને કારણ વગરની હાલાકીનો સામનો કરવો પડે છે. અવાર નવાર ટ્રાફીકજામ થઇ જવાની સમસ્યા ઉભી થતી રહે છે જેમાં એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો પણ અટકાય છે, આજે પણ એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઇ હતી.

આ ઓવરબ્રિજનું કામ શરૂ થયું તે પહેલાં જ ખરેખર બન્ને સાઇડના સર્વિસ રોડ પરના દબાણ દૂર કરી સમારકામ કરાવી ક્લીયર રાખવાની જરૂર હતી પરંતુ તે થઇ ન શક્યું અધુરામાં પુરૂં વરસાદને કારણે આ બન્ને સર્વિસ રોડની હાલત સાવ ખસ્તા થઇ જતાં ઓસ્લો સર્કલ પાસે રોડ બંધ થવાને કારણે ટ્રાફિકજામ તેમજ ખરાબ સર્વિસ રોડને કારણે હાલાકી ભોગવવાનું રોજિંદું થઇ ગયું હતું. આજે પણ ઓસ્લો ઓવર બ્રીજનું કામ છેક સુંદરપુરી ગેટ નજીક પહોંચતા ટ્રાફિક અચાનક સુંદરપુરી કટમાંથી ડાયવર્ટ થયો હતો જેને કારણે આ કટથી લઇ ઇફ્કો કોલોનીના ગેટ સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી.

આ કતારમાં વાહન ચાલકો તો અકળાયા હતા પણ અતિ ઇમરજન્સી સેવા માટે કાર્યરત એક 108 એમ્બ્યુઇન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઇ હતી. અઢી કલાક સુધી આ ટ્રાફિકજામ રહ્યો હતો. જાણ થયા બાદ પોલીસ તથા સ્થાનિક લોકોએ આ ટ્રાફિક પૂર્વરત કરવા કમર કસી હતી. સર્વિસ રોડ ક્લીયર કરાવવા , ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે તો નિયમન માટેની વ્યવસ્થા ગોઠવવી જેવા આગોતરા આયોજન વગર જતા ઓવરબ્રિજના કામને કારણે આવી હાલાકી રહેવાસીઓ માટે રોજિંદી બની છે.

અન્ય સમાચારો પણ છે...