ગાંધીધામ શહેરનાં સેક્ટર-2 વિસ્તારમાં આવેલી એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ઘરમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.60 લાખના માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા.
આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યુ હતુ કે, સેકટર-2, સેન્ટ જોસેફ હોસ્પિટલ પાસે આવેલી આનંદ સોસાયટીનાં મકાન નં. 1માં રહેતા રાજેન્દ્રસિંહ બલભદ્રસિંહ ગોહિલ ગત તા.07/01/2023ના રોજ પોતાનાં મકાનને તાળુ મારી પરીવાર સાથે જામનગર ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
મકાનમાં રાખેલી તિજોરીના તાળા તોડી અંદરથી રૂ.40 હજારની કિંમતની સોનાની ચેઈન, રૂ.30 હજારની કિંમત સોનાની ચેઈન, રૂ.50 હજારની કિંમતનાં સોનાના બ્રેસલેટ નંગ 2, રૂ.20 હજારની કિંમતની ત્રણ જોડી બુટ્ટી(નંગ ) તેમજ રૂ.20 હજાર રોકડ મળી કુલ રૂ.1.60 લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. દરમિયાન રાજેન્દ્રસિંહ મધરાતે 3:30 વાગ્યાનાં અરસામાં પરત ફરતા પોતાના મકાનના દરવાજાનું તાળુ તુટેલું જોતા અંદર જઈ તપાસ કરી હતી. જેમાં ઘરની અંદરનો માલસામાન વેરવિખેર જોતાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.