રાપર તાલુકાના પલાંસવા ખાતે સામજિક પ્રસંગે આવેલી પરિણીતાને પડોશી મહિલાએ ધોકો માથામાં ફટકારી દાગીનાની લૂંટ કરવાની કોશિષ કરી હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાયા બાદ આરોપણને મહિલાએ પકડી લીધી હતી. મુળ પલાંસવાના હાલે અમદાવાદ રહેતા નયનાબેન વિક્રમસિંહ મકવાણાપરિવાર સાથે તા.11/5 ના રોજ લગ્નપ્રસંગ હોઇ વત આવ્યા હતા.
રાત્રે ઘરે આવ્યા બાદ તેમણે પોતાની બહેન ગીતાબેનને તૈયાર થવા બોલાવી તેની રાહ જોઇ રહ્યા હતા.તેઓ મોબાઇલ ચેક કરી રહ્યા હતા તે દરમિયાન પડોશમાં એક વર્ષથી ભાડે રહેતા ગૌરીબેન સહાનીએ પાછળથી આવી માથામાં કપડા ધોવાનો ધોકો ફટકારી સોનાનું મંગળસૂત્ર, હાર અને બે ચેન ખેંચી લૂંટ કરવાની કોશિષ કરતાં તેમણે બૂમાબૂમ કરતાં રસ્તે જતા લોકો આવી ગયા હતા .
આ બાબતે તેમણે પતિને જાણ કરતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા . તેમણે લૂંટના ઇરાદે આ હુકલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આડેસર પોલીસ મથકના પીએસઆઇ બી.જી.રાવલે જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપનાર ગૌરીની ધરપકડ કરી લીધી છે.
ગૌરીના પતિની પણ પૂછપરછ કરી પરંતુ તેની આમાં કંઇ સંડોવણી સ્પષ્ટ થઈ નથી. તેનો પતિ ટાઈલ્સનો કારીગર છે. સોનાના ઘરેણાંથી લદાયેલાં નયનાબેનને જોઈ ગૌરીએ સ્ત્રી સહજ ઈર્ષ્યાથી ઉશ્કેરાઈને ઘરેણાં લૂંટી લેવાના હેતુથી અચાનક ધોકા વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.