કચ્છ આખાના સેન્ટ્રલ જીએસટીની ગાંધીધામ સ્થિત મુખ્ય કચેરી સામે મુખ્ય કમિશનરના વિરોધમાં પત્નીએ ડેરા તંબુ તાણતા ચકચાર પ્રસરી હતી. મહિલાએ પારિવારિક ક્લેશ સહિતના વિવિધ આક્ષેપો કર્યા હતા, તો કમિશનર પી. આનંદકુમારે મામલો કોર્ટમાં હોવાથી કોઇ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.
આનંદકુમાર મારી સાથે વર્ષોથી અન્યાય કરે છે : કમિશનરની પત્ની
ગુરુવારના બપોરે સેંટ્રલ જીએસટીની મુખ્ય કચેરી સામેજ કમિશનરની પત્ની રત્ના, પુત્રી અને તેના પિતા હાથમાં “સુધર જાવો’,”આદમી બનો’, “20 વર્ષથી કરાઈ રહેલો અન્યાય’ જેવા પોસ્ટર સાથે બેસી ગયા હતા. પ્રસાર માધ્યમો સાથે વાતચીતમાં મહિલાએ જણાવ્યું કે કમિશનર આનંદકુમાર તેમના પતિ છે અને તેમની સાથે વર્ષોથી અન્યાય કરે છે, આ સાથે તેમણે અયોગ્ય વર્તન, લગ્નેતર સબંધો સહિતના આક્ષેપો કર્યા હતા.
મામલો હવે ચર્ચાના ચકડોળે
જીએસટીનાં સૂત્રોએ કમિશનર ગત રોજથી રજા પર હોવાનું જણાવ્યું હતું, જેથી આ સમયે તેવો કચેરીમાં ઉપસ્થિત નહતા. આ અંગે કમિશનર આનંદકુમારનો પક્ષ જાણવા સંપર્ક સાધવાના પ્રયાસ છતાં સીધો સંપર્ક ન થઈ શક્યા બાદ આ મામલો કોર્ટમાં હોવાથી તેઓ કોઇ પ્રતિક્રીયા ન આપવા માંગતા હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છની મુખ્ય જીએસટી કચેરી બહારજ આ પ્રકારનો મામલો થતા બાબત ચર્ચાના ચકડોળે ચડી હતી.
5 વર્ષથી ઘરેલુ વિખવાદને લઈને કોર્ટમાં કેસ ચાલુ છે
સુત્રોએ જણાવ્યું એ છેલ્લા પાંચેક વર્ષથી ઘરેલુ વિખવાદને લઈને કોર્ટમાં કેસ કરાયો છે અને ભરણપોષણની રકમ પણ આપવામાં આવી રહી છે. વિભાગના પુર્વ અધિકારી રહી ચુકેલા મહિલાના પિતા પણ સ્થળ પર ઉપસ્થિત રહીને વિરોધના ભાગ બન્યા હતા. બપોરના ત્રણેક વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કચેરી સામેજ ચાલતા આ વિરોધ ધરણાથી કચેરીના અધિકારીઓ અસંજસની સ્થિતિમાં મુકાયા હતા. સાંજે પોલીસે તેમને સ્થળથી બી ડિવિઝન પોલીસ મથક લઈ ગયા હતા. પીઆઈ પી.એન. ઝીંઝુવાડીયાએ મંજુરી વિના થતા ધરણાને નિયમાનુસાર બંધ કરીને સમજાવટના પગલા ભરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
ગોપાલપુરીના ઘરમાં રાત્રે દીવાલ કૂદીને પ્રવેશ કર્યો, પોલીસે ધસી જવું પડ્યું
કમિશનર પત્નીએ કહ્યું કે “ગત રોજ હું આવી ત્યારે ઘર ચારેબાજુથી બંધ હતું, જેથી દિવાલ કુદીને મે તેમાં પ્રવેશ કર્યો હતો. તો કમિશનરએ તેમના ઘરમાં કોઇ ઘુસી ગયું હોવાની ફરિયાદ પોલીસને કરી દીધી હતી’. આ અંગે એ ડિવિઝન પીઆઈ એ.બી. પટેલએ મામલો થાળે પાડવા જરૂરી પ્રયાસ કરાયા હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.