બેદરકારી:મીઠીરોહર પાસે ઉભેલા ટ્રેઇલરને અન્ય ટ્રેઇલરે હડફેટે લેતાં ચાલકનું તત્કાળ મોત

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રોડ સાઈડ કોઇ સંકેત વિના પાર્ક કરી દેવાતા વાહનો બને છે અકસ્માતોનું કારણ
  • પરોઢે 4 વાગ્યે કોઇપણ સિગ્નલ વગર ઉભેલું વાહન ન દેખાતાં સર્જાયો જીવલેણ અકસ્માત, અગાઉ પણ બની ચુકી છે ઘટનાઓ

ગાંધીધામ નજીક મીઠીરોહર પાસે આજે વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં કોઇપણ આડાશ કે સિગ્નલ વગર ઉભેલા ટ્રેઇલરમાં મોરબીથી મુન્દ્રા જઇ રહેલું ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં યુવાન ચાલકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. રોડ સાઈડ કોઇ આડસ કે સંકેત વિના ભારે વાહનોને પાર્ક કરી દેવાતા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વાર સામે આવી ચુકી છે.

મુળ રાજસ્થાનના હાલે છેલ્લા ત્રણ માસથી ગાંધીધામના ફોર્ચ્યુન શિપિંગ કંપનીમાં ટ્રેઇલર ચાલક તરીકે ફરજ બજાવી રહેલા 40 વર્ષીય નરેન્દ્રસિંહ દોલતસિંહ રાવત આજે વહેલી પરોઢે કંપનીનું ટ્રેઇલર લઇ મોરબી થી મુન્દ્રા તરફ જઇ રહ્યા હતા ત્યારે મીઠીરોહર નજીક ગાયત્રી પેટ્રોલપમ્પ સામે અંધારામાં કોઇપણ આડશ કે સિગ્નોલ વગર ઉભેલા ટ્રેઇલરમાં તેમનું ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં કેબિનનો ખુરદો બોલી ગયો હતો અને ટ્રેઇલર ચલાવી રહેલા 40 વર્ષીય નરેન્દ્રસિંહ રાવતનું છાતી અને પગમાં ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં ફોર્ચ્યુન શિપિંગ કંપનીના મેનેજર રોહિતભાઇ જોષી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમની કંપનીમાં જ ટ્રેઇલર ચલાવતા મૃતકના સાળા ઇશ્વરસિંહ માલસિંહ રાવતને જાણ કરતાં તેમણે આડશ અને સિગ્નલ વગર બેદરકારી પૂર્વક પાર્ક કરી જીવલેણ અકસ્માતનું કારણ બનનાર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ કે.જે.વાઢેરે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.

આદિપુરમાં બાઇક અડફેટે પગપાળા જઇ રહેલા પ્રૌઢ ઘાયલ થતાં ફરિયાદ
આદિપુરની શિવમ હોસ્પિટલ પાસે પગપાળા જઇ રહેલા પ્રૌઢને બાઇક ચાલકે અડફેટે લેતાં માથા અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે. આદિપુર પોલીસ મથકે હોસ્પિટલના તબીબે નોંધાવેલી જાણવા જોગમાં જણાવ્યા મુજબ આદિપુર રહેતા 50 વર્ષીય ચેતનભાઇ ઇશરાણી ગત સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં શિવમ હોસ્પિટલ પાસે પગપાળા જઇ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ જઇ રહેલા બાઇક ચાલકે અડફેટે લેતાં તેમને માથા અને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. તેમને લઇ આવનાર હિતેશભાઇ ઇશરાણીએ આપેલી વિગતો પોલીસને આપતાં આદિપુર પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...