ગાંધીધામ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રિમોન્સૂનના અટકેલા કામ, પ્રમુખનો દરેક વાઉચરમાં સહી માટે આગ્રહ તેમજ ઓર્ડર, હંગામી એન્જિનિયરની ભૂમિકાને લઈને હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખ સહિત સતાપક્ષના કોઇ ડોકાયા નહતા તો ચીફ ઓફિસરે એન્જિનિયર મુદે કાર્યવાહીની ખાત્રી ન આપે ત્યાં સુધી પાલિકામાંજ ધરણા પર બેસવાનું ઠેરવતા સીઓ દ્વારા લેખિતમાં ખાત્રી અપાઈ હતી. ગાંધીધામમાં સતાપક્ષ જુથબંધીઓમાં વહેંચાતો હોવાની ચર્ચા છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસએ એકજુટ થઈને શહેરને સ્પર્શતા પ્રશ્નોના જવાબ માંગવા નગરપાલિકા કચેરી ધસી ગયા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ જણાવ્યું કે એ ગ્રેડનો પાલિકાનો દરજ્જો ધરાવતી ગાંધીધામ સુધરાઈ પાસે છેલ્લા કેટલાય સમયથી કાયમી એન્જીનીયર નથી અને હંગામી એન્જીનીયર દ્વારા કરોડોના કામોને બહાલી અપાઈ રહી છે. ભવિષ્યમાં જ્યારે આને છુટો કરાશે ત્યારે હાલમાં તેમની દેખરેખમાં થતા કરોડોના કામોની જવાબદારીનું શું થશે? પાલિકા પાસે સક્ષમ એન્જીનીયર નિમવાની સતા નથી કે ભ્રષ્ટાચારને વેગ આપવા આંખ આડા કાન કરાઈ રહ્યા છે? આ બાબતે કોંગ્રેસના નગરસેવક અમિત ચાવડા દ્વારા પણ રજુઆતો કરાઈ છે, સભામાં પણ પ્રશ્ન ઉઠાવાયો હતો, તેમ છતાં કોઇ કાર્યવાહી કરાઈ નથી.
જયશ્રીબેન ચાવડા સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવતા હંગામી એન્જિનિયરની ચેમ્બરને તાળું પણ મારી દીધુ હતું. તો વરસાદ થોડા સમયમાં દસ્તક આપી રહ્યું છે ત્યારે પ્રિમોન્સૂન કામગીરીના નામે કાંઈ કામ નથી કરાયું. દર વર્ષે લાખો, કરોડો રૂપીયાનો ધુમાડો નાળા સફાઈ, ગટર સફાઈ અને પાણીના નિકાલ માટે કરાય છે. પરંતુ વરસાદ સમયે ગાંધીધામ ગટરધામ બની જાય છે.
જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ચેતન જોશીએ પાલિકાની અણ આવડતને કારણે પ્રજા પાયમાલ થઈ રહી હોવાનું જણાવીને પ્રજાહિતમાં નિર્ણય લઈને નિવેડો નહી આવે તો આંદોલનની ચીમકી આપી હતી. આ અંગે રજુઆત કરતા સીઓએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા કામ શરૂ કરી દેવાશે તેમ જણાવ્યું હતું. આ સાથે વિપક્ષના નેતા સમીપ જોશી, નિલેશ ભાનુશાળી, દશરથ ખંગારોત, રાધાબેન ચૌધરી, અમૃતાદાસ, જગદીશ ગઢવી, શેરબાનુ ખલીફા સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા.
કાયમી એન્જિનિયર તાત્કાલિક ફાળવવા સરકારને રિમાઇન્ડ કરાવાશે : સીઓ
કોંગ્રેસ નગરસેવકોએ વર્તમાન વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવીને તાત્કાલિક ધોરણે કાયમી એન્જિયરની નિયુક્તિ માટે ખાત્રીની માંગ કરી ધરણા પર બેસી ગયા હતા. કલાક બાદ આખરે મુખ્ય અધિકારી દ્વારા લેખિતમાં ખાત્રી આપતા જણાવ્યું કે પાલિકાના જુદા જુદા વિકાસ કામો માટે એન્જીનીયર ફાળવવા રજુઆત કરાઈ છે, જેની તાત્કાલિક ફાળવવા રીમાઈન્ડ કરાવાશે, વધુમાં કારોબારી સમિતિ, સામાન્ય સભામાં રજુઆત અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય અંગે કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું.
ઓવરબ્રીજ બનવાનો છે તે ખબર હતી, તો 14 કરોડના ખર્ચે વરસાદી નાળા કેમ બનાવ્યા?’
શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ વરસાદી નાળાઓના પ્રશ્નને ઉઠાવતા જણાવ્યું કે ઓવરબ્રિજ અચાનક તો બનવાની શરૂઆત નથી થઈ, ત્રણ ચાર વર્ષથી તેનું પ્લાનિંગ ચાલતું હશે ત્યારે દોઢ વર્ષ પહેલાજ 14 કરોડના ખર્ચ વરસાદી નાળા કેમ બનાવાયા હતા? હવે તે નાળાને તોડવામાં આવી રહ્યા છે.
ઓર્ડરમાં વિસંગતતા વર્તાઈ હતી, પણ નિર્ણય લાગુ કરાયો છેઃ મુખ્ય અધિકારી
પ્રાદેશિક નિયામક દ્વારા પાલિકાઓમાં દરેક પેમેન્ટ માં પ્રમુખની સહિ મુદે લેવાયેલા નિર્ણય અંગે ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું કે અગાઉ કરાયેલા નિર્ણય સાથે વિસંગતતા વર્તાતી હતી, પરંતુ આરસીએમ ઓથોરિટી દ્વારા લેવાયેલા નિર્ણયને સ્વીકારીને લાગુ કરી દેવાયો છે.
પ્રમુખને સહીની સતા સાથે ભ્રષ્ટાચારને પરવાનો
દરેક બિલ અને વાઉચરમાં પ્રમુખ દ્વારા સહી કરવાના ઓર્ડર મુદે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતા આપી દેવાતા તે અંગે શહેર પ્રમુખ ગાંધીએ ‘દાળમાં કાંઈક કાળુ, કે આખી દાળ કાળી છે?’ નો પ્રશ્ન ઉઠાવ્યો હતો. નોંધવું રહ્યું કે વિપક્ષના નેતા સમીપ જોશીએ દ્વારા આ નિર્ણયને અમદાવાદ કમિશનરમાં પડકારાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.