અચાનક ઘઉં નિકાસ પર પ્રતિબંધથી ગત સપ્તાહેથી કંડલા પોર્ટમાં વણસેલી પરિસ્થિતિ હવે ધીમી ધારે થાળે પડતી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. સુત્રોએ જણાવ્યું કે પ્રતિબંધ બાદ પ્રથમ ઘઉં ભરેલુ વેસલ ઈજીપ્ત જવા રવાના કરાયું હતું, તો 3 થી 4 હજાર ટ્રકો ફસાયેલી હોવાના અહેવાલો બાદ ગત રોજથી 800થી વધુ ટ્રકો પોર્ટ પરીસરથી બહાર નિકળી હોવાનું જાણવા મળે છે.
લાખો ટન ઘઉં નિકાસ માટે આવ્યા બાદ ડીજીએફટીએ નિકાસ પરજ પ્રતિબંધ કરી દેતા ટ્રકોમાં અને પોર્ટમાં ફસાયેલા ઘઉં પર પ્રશ્નો ઉભા થયા બાદ અનલોડ માટે રાહ જોતા અને સતત વિલંબથી કંટાળેલા હજારો ટ્રક ડ્રાઈવરો ગરમી, પાણી અને પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે વિરોધનો સુર વ્યક્ત કર્યા સહિતની ઘટનાઓ બની હતી.
ગત રોજ સતત વણસતી જતી પરિસ્થિતિનો તાફ મેળવવા ગાંધીધામ આવી પહોંચેલા એડી. ડીજીએફટી તનેજાએ નિયમોમાં ભાવાત્મક દબાણથી કોઇ પરિવર્તન નહી લવાય તેવું સ્પષ્ટ કરીને જેમની એલસી નિયમાનુસાર નથી ખુલી તેમને પરત લઈ જવા પડશે તેવું રોકડુ પરખાવી દીધુ હતું.
આ પહેલા અડધે અટકેલા ચાર જહાજોને વિશેષ પરવાનગી અપાતા તેમનું લોડીંગ ચાલુ થઈ ગયેલું, જેમાંથી ઈજીપ્ત માટે 61,500 મેટ્રીક ટન ઘઉં સાથેનું જહાજ પોર્ટની 15એ બર્થથી ગુરુવારના મોડી રાતે નિકળવાનો સમય નિર્ધારીત કરાયો હતો. જે 12 દિવસની સફર બાદ ઈજીપ્ત પહોંચશે. જેમને પરવાનગી ના આસાર નથી તે લોકલ માર્કેટ તરફ ટ્રકો ફરાવી રહ્યા છે. ત્યારે સુત્રોનું માનીયે તો હવે થોડા દિવસોમાં પરિસ્થિતિ થાળે પડે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામ સાથે નિકાસકારોનું નુકશાન, ડ્રાઈવરોની પીડા અને તુટેલા કરારો પણ છે.
દિવસોથી રાહ જોતા ડ્રાઈવરો માટે ચાલતી ભોજન વ્યવસ્થામાં આગેવાનો જોડાયા
ઘઉ અનલોડ કરવા આવેલા હજારો ફસાયેલા ટ્રક ડ્રાઈવર્સ માટે એસઆઈપીસીમાં શરૂ કરાયેલી ભોજન વ્યવસ્થામાં ગુરુવારે સેક્રેટરી સી. હરીચંદ્રન, નાણાકીય સલાહકાર બી. ભાગ્યનાથ, પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, હરીશ મહેશ્વરી સાથે પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ સહયોગમાં જોડાયો હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.