દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં હાલ છ ઓઈલ એટલે કે લિક્વિડ જેટી અને 16 કાર્ગો જેટી છે. જેમાં લિક્વિડ જેટીમાં વધુ એક 7મી જેટીનું ચાલી રહેલું કામ હાલ અંતિમ તબક્કામાં છે, જેને આગામી મહિનેજ લોકાપર્ણ કરી શકાય તેવી સ્થિતિમાં આવી જશે. લિક્વિડ જેટી નંબર 7નું બાંધકામ 58 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. ખાધ તેલને ફોકસમાં રાખીને નિર્માણ કરાયેલી આ જેટી કંડલા અને ગાંધીધામ માટે મહત્વપુર્ણ પાયદાન બની રહેશે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં નવનીર્મીત થઈ રહેલી 7 નંબરની લિક્વિડ જેટીનું કાર્ય હવે પુર્ણતાના આરે છે ત્યારે તેની ચેરમેન સહિત ઉપભોક્તાના પ્રતિનીધી મંડળે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ હતું. પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યું કે લિક્વિડ જેટી નંબર 7 ખાસ કરીને ખાદ્ય તેલના સંચાલન માટે સમર્પિત કરવામાં આવશે.
ખાદ્ય તેલના સંચાલન માટે પાઇપલાઇનની ચેનલ પહેલેથી જ નાખવામાં આવી છે. નવી લિક્વિડ જેટીથી લિક્વિડ કાર્ગો હેન્ડલ કરવાની ભીડ હળવી થશે અને દેશની વધતી જતી માંગને પૂરી કરી શકાસે એવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.
ચેરમેન એસ.કે. મહેતા, ડે. ચેરમેન નંદીશ શુક્લા, મુખ્ય ઈજનેર રવિન્દ્ર રેડ્ડી, કંડલા લિક્વિડ ટેન્ક ટર્મિનલ્સ એસોસિએશન અને અન્ય ઉપભોક્તાઓએ કામની પ્રગતિની સમીક્ષા કરવા બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. નોંધવુ રહ્યું કે હાલ ઉપલબ્ધ ઓઈલ જેટીઓમાં એક આઈઓસી, એક ઈફ્કો સહિતના સ્તરે ફાળવણી કરાયેલી છે.
ગલ્ફ દેશો નજીક હોવાથી ઓઈલ સપ્લાયનો મહતમ કાર્ગો કંડલાથીજ જાય છે
દેશભરમાં ઓઈલ સપ્લાયનો સર્વાધિક કાર્યભાર ડીપીએ, કંડલા પરજ રહે છે. વિશ્વના સર્વાધિક તેલના ઉત્પાદક ગલ્ફ દેશોથી આયાત માટે કંડલા ખુબ નજીક અને સરળ પડે છે. જેના કારણે ડીપીએના કુલ કાર્ગો હેંડલીંગમાં અંદાજે અડધા જેટલો કાર્ગો માત્ર ઓઈલ કે લિક્વિડ રહે છે. હવે વધુ એક જેટીનો ઉમેરો સંભવત આવતા મહિનેજ થતા દેશમાં તેની સપ્લાયની આપુર્તી માટે વધુ સરળતા રહેશે તેવો દાવો કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.