સંદિપ દવે
ડીઆરઆઈએ મુંદ્રા સેઝમાં ધસી જઈને ખજુર હોવાના ડિક્લેરેશન સાથે આયાત થયેલા ત્રણ કન્ટેનર ખોલીને તપાસ કરતા અંદરથી સોપારીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ દિવસ ચાલેલી તપાસના અંતે ત્રણે કન્ટૅનરમાંથી કુલ 54 મેટ્રીક ટનનો જથ્થો મળી આવ્યો હતો, સુત્રોએ જણાવ્યું હતું કે તેની કિંમતની ગણના ભારતીય માનકો અનુસાર કરવામાં આવતી હોઇ તે અંદાજે 7 કરોડનો જથ્થો બને છે. આમ ડિઆરઆઈએ ત્રણ કન્ટૅનરમાંથી 7 કરોડનો સોપારીનો સ્મગલીંગ કરાતો જથ્થો જપ્ત કરીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) ની ટીમે સોમવારના સાંજે મુંદ્રાના સેઝમાં આવી પહોંચેલા ત્રણ કન્ટેનરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખરેખર તો ખજુર હોવાનું કહીને ઈમ્પોર્ટ કરાયું હતું, પરંતુ તેમાંથી ખોલીને તપાસ કરતા સોપારીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાં આગળના ભાગે ખજુર અને પાછળના ભાગે સોપારી છુપાવવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસના અંતે ડિઆરઆઈએ કુલ 54 મેટ્રીક ટન સોપારીનો જથ્થો ઝડપ્યો હોવાનું જાણવા મળે છે. જેની સરકારે નિર્ધારીત કરેલી કિંમત અનુસાર 7 કરોડ જેટલી કિંમત થવા જાય છે.
ડિઆરઆઈએ મુંબઈની આયાતકાર પેઢીને ત્યાં સર્ચ પણ આદરી હતી, જ્યાંથી માલીક હાથે લાગ્યો નહતો. તો આ આયાતકારી પેઢી અગાઉ કેટલી આયાત કરી ચુકી છે અને શું કાર્ગો હતો તેની તપાસ કરતા અગાઉ પણ ત્રણ કન્ટેનર પણ આજ ડિક્લેરેશન સાથે આયાત કરાયા હોવાનું સામે આવ્યું હતું. સંભવિત રુપે તેમાં પણ ગેરરીતી આદરાઈ હોવાની સંભાવના છે,
તે દિશામાં પણ એજન્સીએ તપાસ આદરી છે. ગાંધીધામના સીએચએની પુછપરછ બાદ કન્સાઈમેન્ટ સાથે જોડાયેલા અન્ય લોકોની પુછપરછ પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. અહીં નોંધવું રહ્યું કે, છેલ્લા ઘણા સમયથી મુન્દ્રા બંદર દાણચોરી મુદ્દે અવારનવાર ચર્ચામાં રહ્યું છે.
મોડસ ઓપરેન્ડીમાં પાછળ છુપાયેલા તત્વોમાં ગભરાટ, ગાંધીધામથી દિલ્હીની દોટ લાગી
સોપારીની આયાતમાં દાણચોરીની આ ઘટનાઓ નવી નથી, જે છેલ્લા કેટલાક મહિનાઓથી એક પછી એક બહાર આવતા મોડસ ઓપરેન્ડી સાથે જોડાયેલા સરકારી અધિકારી, કર્મચારી અને રાજકીય માથાઓ સહિત મોટા વેપારીઓએ પણ પકડાઈ ન જવાના ભયે દિલ્હીના પોતાના સોર્સની દોટ મુકી હોવાનું બહાર આવવા પામ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.