પર્યાવરણ ખતરામાં:ગાંધીધામમાં ખાલી પ્લોટમાં સળગાવાતા કચરાને કારણે પ્રદુષણનો પ્રશ્ન ભયાવહ

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીઆઈડીસી બાદ 9બીડી વિસ્તારમાં લોકોના વિરોધ છતાં ચાલતી અવિરત પ્રક્રિયા
  • રાજકીય પીઠબળના કારણે ફરિયાદો છે છતાં ન સંભળાતી હોવાની ફરિયાદ

ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં કચરો બળાતો હોવાથી લોકોને ધુમાડાના કારણે ભારે સમસ્યાઓનો સામનો રોજીંદા સ્તર પર કરવો પડતો હોવાની ફરિયાદો બાદ હવે આવી જ ફરિયાદ ભારતનગર પાછળના 9બીડી આસપાસના વિસ્તારોથી પણ ઉઠવા પામી છે. સ્થાનિકોએ જણાવ્યું કે રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં કોઇ બે ત્રણ શખ્સો બાઈક પર ટાયર, પ્લાસ્ટિક, રબર જેવી વસ્તુઓ રોજ લઈ આવીને તેને આગ લગાવી દે છે.

જે આગ દિવાળી સહિતના દિવસોમાં તો એટલી મોટી થઈ કે તેને બુઝાવવા ફાયર બ્રીગેડને બોલાવવી પડી હતી. તો તેના કારણે ઉઠતો ધુમાડો સ્થાનિક રહેવાસીઓ માટે અસહ્ય બની રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેની સીધી અસર પણ જોવા મળી રહી છે, તો ગાંધીધામમાં ખાલી પ્લોટમાં સળગાવાતા કચરાને કારણે પ્રદૂષણનો પ્રશ્ન ભયાવહ બની રહ્યો છે. આ અંગે ફરિયાદો કરાતા રાજકીય પીઠબળ હોવાથી તે અંગે કોઇ કામગીરી ન થતી હોવાની રાવ ઉઠવા પામી હતી. સુત્રોએ જણાવ્યું કે આ અંગે પોલીસ અને પાલિકા બન્ને સ્થળે ફરિયાદો કરાઈ પણ કોઇ નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી અને રોષ ફેલાવા પામ્યો છે.

નોંધવુ રહ્યું કે આવીજ પરિસ્થિતિ સેક્ટર વિસ્તારમાં જીઆઈડીસીમાં પણ ઉઠવા પામી હતી. જે અંગે દિવ્ય ભાસ્કરના અહેવાલના પડઘા ન માત્ર દબાણો દુર કરાયા હતા પરંતુ જે તે પ્રક્રિયા પર પણ જીપીસીબી દ્વારા નોંધ લઈ નોટિસો ફટકારાયા બાદ ત્રીજી વખત સ્થાનિકોનો મોરચો ગયા પછી આ ખુલ્લા પ્લોટમાં કોઇ કચરો ફેંકે ન હી અને સળગાવે નહીં તે માટે ચોકિદારો તૈનાત કરી દેવાયા છે. તો હવે ભારતનગર 9બીડી વિસ્તારના ખુલ્લા પ્લોટમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરાય તેવી માંગ રહેવાસીઓની ઉઠી છે.

શિયાળાના ચાર મહિનામાં હવામાં ઉડતી કાળી રજથી લોકો પરેશાન
ગાંધીધામ સંકુલના સપનાનગર, ભારતનગર, સુંદરપુરી, સુભાષનગર, મહેશ્વરીનગર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ખાસ કરીને શિયાળાના ચાર મહિના દરમિયાન હવામાં ઉડતી કાળી રજને કારણે લોકોને શ્વાસ રૂંધાતો હોય તેવો અનુભવ પણ થતો રહે છે. આ કાળી રજ આસપાસ આવેલા ઉદ્યોગગૃહોમાંથી ઉઠતા ધૂમાડાને કારણે હોઇ શકે તેવું લોકોનું માનવું છે. આ બાબતે અગાઉ પણ કાળીરજ બાબતે અવાજ ઉઠયો હતો. પરંતુ આ સમસ્યાનું આજ દિવસ સુધી કોઇ નિરાકરણ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...