ગાંધીધામ તાલુકાનો એક માત્ર અને જિલ્લામાં ટપ્પર પછીનો સૌથી મોટા એવા શિણાય ડેમમાં તાજેતરમાંજ નર્મદાના જળનું આગમન થયું છે ત્યારે સ્થાનિક વિકાસની જાગેલી આશાઓની આગળ ચિંતાજનક પ્રશ્નો પણ આડખીલી રુપ ઉભા છે. સ્થાનિકે તપાસ કરતા બહાર આવ્યું કે ડેમ આસપાસ દબાણ મોટા પાયે વિસ્તરી ગયું છે, તો અહી નિર્માણ પામી રહેલી સોસાયટીઓએ પણ કુદરતી પ્રવાહોને બાધિત કરતા ભવિષ્યમાં તેના ચિંતાજનક પરિણામો આવી શકે છે.
દેશભરમાં હાલમાં જોશી મઠ આસપાસ મોટા પાયે થઈ રહેલા મોટા પ્રોજેક્ટના નિર્માણથી પ્રાચીન ધરોહર માં પડી રહેલી તિરાડો ચિંતાનો વિષય બની રહ્યા છે ત્યારે નાના સ્તર પર સ્થાનિક ધોરણે સામાન્ય પાણીના પ્રવાહને પણ બાધિત કરાતા તેના કેવા પરિણામો આવે છે તે થોડા વર્ષ પહેલા મેઘપર બોરીચીમાં ભરાઈ ગયેલા પાણીની ઘટનાથી સમજી શકાય છે.
ગાંધીધામમાં સીમીત માત્રામાં જમીન હોવાથી હવે વિકાસનો ફલક શિણાય તરફ આગળ વધતા અહી ઈન્ફ્રાસ્ટ્રકચર બુમ જોવા મળી રહ્યું છે અને અનેક નવી સોસાયટીઓ નિર્માણ પામી રહી છે. પરંતુ તેમાંથી ઘણાની જમીનોમા ગૌચર ખવાઈ જવા સાથે પાણીના પ્રાકૃતિક પ્રવાહો પણ બંધ થઈ જતા હોવાની રાવનો ચણભણાટ અંદરખાને ઉઠવા પામ્યો છે.
નામ ન દેવાની શરતે સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે \"અમે કહ્યું કે દર વર્ષે વરસાદ પડે એટલે ઉપરવાસથી અહીંથી મોટા પાયે વરસાદનું પાણી આગળ જાય છે, પણ અમારું કોઇએ ન સાંભળ્યું, હવે અહીં એક રસ્તો બની રહ્યો છે'. જો આ પ્રાકૃતિક માર્ગ બાધિત થતા તે નવો રસ્તો કઈ દિશામાં પકડશે અને તેના શું પરિણામ આવશે તે ચિંતા કરનારા પ્રશ્નો છે.
પરંતુ તેવું પણ નથી કે તેનો પરચો મળ્યો ન હોય, ગત વર્ષોના ચોમાસામાં અહીં નવનીર્મીત સોસાયટીઓમાં પાણી ઘુસી ગયાની ઘટના પણ બનવા પામી હોવાનું જાણવા મળે છે. અધુરામાં પુરુ ઐતિહાસિક એવા શિણાય ડેમની હાલ જેટલી પહોળાઈ છે, તે ઓન રેકર્ડ ખરેખર ખુબ મોટી છે, પરંતુ આસપાસ અગાઉ માત્ર આજીવિકા માટે ઉપયોગ કરતા જમીનોએ વાળીને રોડ સુધી ખેંચી આવવાનો જાણે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવો તાલ સર્જાયાની રાવ ઉઠવા પામી છે. શિણાય ડેમની ક્ષમતા ખુબ વધુ છે અને તે આખા ગાંધીધામ આદિપુર સંકુલને પાણી પુરુ પાડી શકે તેમ છે,
ઉપરાંત અહિ પર્યટન સ્થળ પણ વિકાસ કરવાની નેમ વ્યક્ત કરાઈ ચુકી છે ત્યારે જેમ ગાંધીધામ આદિપુરમાં દબાણનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, તેવોજ પ્રશ્ન અહી પણ વિકરાળ બનતા ક્યાંક આ આશાભર્યા સ્વપ્નોનો તાલ પચરંગી શહેર જેવોજ ન થઈ જાય તેવો ભય ઉઠવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.