ક્રાઇમ:આદિપુરની મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર ઝડપાઇ ગયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30/12 ના બનેલી ઘટનામાં દાગીના અને રૂપિયાની લેવડ દેવડ કારણભૂત
  • શકમંદ હત્યા કરી રાજસ્થાન ભાગી ગયો હતો, દોરી, મૃતકનો મોબાઇલ જપ્ત કરાયા

આદિપુરની મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર શખ્સને પોલીસે રાજસ્થાનથી પકડી લઇ આ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો જેમાં મૃતક મહિલા અને આરોપી વચ્ચે દાગીના અને રૂપિયાની લેવડ દેવડ કારણભૂત હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે.

એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.30/12 ના આદિપુર રહેતા રેશ્મા ભરતભાઇ ભંભાણીનું ગળું દાબી હત્યા કરી અંજાર કેજી. માણેક સ્કુલ નજીક મૃતદેહ ફગાવી દીધો હોવાની ઘટનામાં બોર્ડર રેન્જ આઇજીપી મોથાલિયા અને પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાના સીધા સુપરવિઝન હેઠળ અને માર્ગદર્શન મુજબ જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આ હત્યાના બનાવમાં શકમંદ મુળ ઉત્તરપ્રદેશના હાલે મેઘપર બોરીચીના વિઠ્ઠલનગરમાં રહેતા નિતિન અજય શર્મા સાથે મૃતક રેશ્માબેનનો સબંધ હોવાની હકિકતના આધારે તપાસ કરતાં આરોપી હત્યા બાદ રાજસ્થાન ભાગી ગયો હોવાનું જાણવા મળતાં ટીમ રાજસ્થાન મોકલી અજય શર્માને પકડી લેવાયો હતો.

તેને પકડ્યા બાદ કરેલી પુછપરછમાં તેણે આ હત્યા તેણે કરી હોવાની કેફિયત આપ્યા સાથે મૃતક રેશ્મા સાથે સબંધ હોવાનું અને તેની પાસેથી લીધેલા ઘરેણા પરત આપવા વારંવાર માગણી કરતા હોઇ તકરાર થઇ હતી જેમાં તેણે ગળું દાબી તેની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. આ ચકચારી હત્યાનો કેસ ઉકેલવામાં એલસીબી પીઆઇ જાડેજા સાથે અંજાર પીઆઇ એસ. ડી. સિસોદિયાબી-ડિવિઝન પોલીસ મથકના PSI એન.કે.ચૌધરી, એલસીબીની ટીમ અને અંજાર પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.

આ રીતે બની હતી આ ખૂનની ઘટના
આદિપુર રહેતા મૃતક રેશ્મા ભરતભાઇ ભંભાણીને નિતિન અજય શર્મા સાથે સબંધ હતો અને બન્ને વચ્ચે દાગીના અને પૈસાની આપ-લે નો વ્યવહાર હતો. હવે મૃતકે આપેલા દાગીના તે પરત માગતા હોઇ બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. તા.30/12 ના પણ રેશ્માએ દાગીનાની માગણી કરતાં અજયે તેમને આદિપુર પોસ્ટઓફિસ પાસે બોલાવી કારમાં બેસાડી લઇ ગયો હતો અને બન્ને વચ્ચે કારમાં તકરાર વધ્યા બાદ ગળે ટુંપો આપી તેમને મોતને ઘાટ ઉતારી રેશ્માનો મૃતદેહ અંજાર કે.જી.માણેક સ્કુલ નજીક ફેંકી રાજસ્થાન ભાગી ગયો હતો.

આરોપીએ મૃતક પાસેથી લીધેલા દાગીના પર મૂથૂટ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી
આદિપુરની પરિણીતાની હત્યાના બનાવમાં દાગીના અને રૂપિયાાની લેવડ દેવડ આરોપીએ આપેલી ફેફિયતમાં બહાર આવી છે, તો પકડાયેલા આરોપી નિતિને હત્યા કર્યા બાદ સોનાની કાનની બુટ્ટી, અને ત્રણ વીંટી ઉતારી લીધા હતા . આ દાગીના ગીરવે રાખી મુથૂટ ફાઇનાન્સમાંથી લોન લીધી હોવાનું પણ પકડાયેલા આરોપીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...