છેતરપિંડી:પાટણના વેપારીએ 3.85 લાખ ભાડું સાથે 42 લાખના વાહનો પણ ગુમાવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામમાં યેનકેન પ્રકારે વિશ્વાસઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે
  • વિશ્વાસઘાત કરનાર ગાંધીધામ, ભુજ અને અંજારના 5 શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

ગાંધીધામના એક ઇસમે પોતે પાલિકા, કંડલા તથા તુણા પોર્ટના કામ રાખતો હોઇ જણાવી પોતાના સાગરીતો સાથે મળી પાટણના વેપારી પાસેથી ટ્રેક્ટર, ટ્રોલી અને જેસીબી જેવા વાહનો ભાડે ચલાવવા મગાવ્યા બાદ રૂ.3.85 લાખવાહનોનું ભાડું ન ચૂકવી ઉપરાંત રૂ.42 હજારના વાહનો બારોબાર વેંચી મારી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ છેતરાયેલા પાટણના વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાટણના તારાનગરના રહેવાસી 30 વર્ષીય ઇશ્વરભાઇ શંકરભાઇ મકવાણા (રબારી) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી 9 માસ પહેલાં ગાંધીધામ રહેતા તેમના કૌટુંબિક ભાઇ ટીનાભાઇ ખેંગારભાઇ રબારીએ ફોન કરી જણાવ્યું હતું કે, તેમના ઓળખીતા ચમનભાઇ ઉર્ફે દેવરાજભાઇ ઉર્ફે દેવ બાબુભાઇ પરમારનું ગાંધીધામ પાલિકામાં કચરો નાખવાનું તથા કંડલા અને તુણા પોર્ટ પર કામ ચાલે છે જેમાં તેમને ટ્રેક્ટો ભાડે જોઇએ છે તારે આપવા હોય તો જણાવજે, તેમણે તરત આ વાત સ્વીકારી રુબરૂ મળવા તેઓ ગાંધીધામ વોર્ડ-12/બીમાં કોમલ કોમ્પલેક્સમાં આવેલી ચમન ઉર્ફે દેવરાજની શ્રીજી એન્ટરપ્રાઇઝમાં સપ્ટેમ્બર-2021 માં ગયા હતા.

તા.27/9/2021 થી માસિક રૂ.20,000 ના ભાડે ટ્રેક્ટર આપવાનું નક્કી કર્યા બાદ તેમણે પોતાના પિતરાઇ ભાઇઓ સહિતના કુલ 5 ટ્રેક્ટર, 2 ટ્રોલી અને એક જેસીબી મશીન ભાડે ચલાવવા આપ્યા બાદ છેલ્લા પાંચ મહિનાનું ભાડું રૂ.3,87,000 ન આવતાં તેમણે ફોન પર વાયદાઓ જ કર્યા હતા. ટ્રેક્ટર પરત માગતાં કોઇ જવાબ આપ્યા ન હતા અને ફોન સ્વીચ્ડ ઓફ કરી નાખ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાંચે ટ્રેક્ટર અલગ અલગ માણસોને વેંચી માર્યા છે.

વધુ તપાસ કરતાં તેમના ટ્રેક્ટર માંડવીના રવિ શંકર મહેશ્વરી પાસે છે, તેમના ભાઇનું ટ્રેક્ટર માંડવીના સુલેમાન અબ્દુલ જુણેજા પાસે છે જે ટ્રેક્ટર ભુજના રવિશંકર ચાંપશી ચંદેએ ભાડા પેટે આપેલા છે. જેસીબી ભુજના માધાપરમાં રહેતા રવિન્દ્રસિંહ ઉર્ફે રવિરાજ જયુભા રાયજાદા પાસે હોવાનું બહાર આવ્યું હતું. તેમણે મુખ્ય સૂત્રધાર ચમન ઉર્ફે દેવરાજ ઉર્ફે દેવો બાબુભાઇ પરમાર, રવિશંકર ચાંપશી ચંદે, અંજારના ઝલાલશાહ, વરનોરાના બચુભાઇ અને માધાપરના રવિન્દ્રસિંહ ઉર્ફે રવીરાજ જયુભા રાયજાદા વિરૂધ્ધ કુલ રૂ.45,85,000 નો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ અબડાસાના ખેડૂત સાથે પણ આ જ પધ્ધતિથી વિશ્વાસઘાત કરાયો હતો
પાલીકાના અને અન્ય કામો રાખતા હોવાનું જણાવી વિશ્વાસમાં લઇ મોટા વાહનો ભાડે ચલાવવા મગાવી તે વાહનો બારોબાર વેંચી મારવાની મોડસ ઓપરેન્ડીનો આ બીજો બનાવ છે આ અગાઉ અબડાસાના ખેડૂતો અને તેમના સબંધીઓના ટ્રેક્ટર અને જેસીબી ભાડે ચલાવવા મગાવી ભાડું ન ચુકી ઉપરાંત બારોબાર વેંચી મારવાની ફરીયાદ પણ નોંધાઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...