લેટ લતીફી:57 હજાર મિલકત સામે પાલિકાએ હજી વેરા વસુલાતના 10 હજાર બીલ પહોંચાડ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં અડધું નાણાકિય વર્ષે વિત્યું, હજી સુધી મહતમ બીલ પહોંચ્યા નથી
  • અત્યાર સુધી 45 કરોડના માંગણા સામે 8 કરોડજ વસુલાત થઈ શકી, તે પણ યોજનાને આભારી

ગાંધીધામ નગરપાલિકા દર વર્ષે વેરા વસુલાતના લક્ષ્યાંકને પુરા કરવાની વાત તો દુર રહી, તેને અડધે પણ નથી પહોંચી શકતી. ત્યારે ચાલુ નાણાકીય વર્ષ અડધુ વિતી ગયા હોવા છતાં હજી મહતમ મિલકત ધારકોને વેરા વસુલાતના બીલ પહોંચાડવમાં પાલિકા નિષ્ફળ નિવડી હોવાનું સામે આવવા પામ્યું છે. આવી સ્થિતિમાં વસુલાત કઈ રીતે થઈ શકે તે મુખ્ય પ્રશ્ન છે. અધુરામાં પુરુ અત્યાર સુધી જે નોંધપાત્ર વસુલાત થઈ છે, તે પણ વિશેષ રુપે લાગુ કરાયેલી યોજનાને આભારી હતી.

ગાંધીધામ નગરપાલિકામાં કુલ 57 હજાર જેટલી મીલકતો નોંધાયેલી છે, જેની સામે અત્યાર સુધી અંદાજે 10 હજાર વેરા વસુલાતના બીલજ પહોંચાડાયા હોય તેમ જાણવા મળે છે. આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે ચાલુ નાણાકિય વર્ષનો અડધો અડધ સમય વિતી ચુક્યો છે. પ્રશાસન ઓછા સ્ટાફનો હવાલો આપી રહ્યો છે તો સ્થાનિક સ્વરાજની સંસ્થા ખરેખર તો બીલ પહોંચાડ્યા વિના કઈ રીતે આવકની અને ત્યારબાદ થનારા ખર્ચેની વ્યવસ્થા કરી શકે તે યક્ષપ્રશ્ન છે.

વહિવટના મુળભુત સિંદ્ધાતોને સ્પર્શતી આ બાબત અંગે પ્રશાસનની લેટલતીફીથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને થવી જોઇતી આવક થવા પામતી નથી અને તેના કારણે લોકોની સમસ્યાઓનું સમાધાન માટે કે કર્મચારીઓના બાકી ચુકવણા પણ કરી શકાતા નથી. હાલમાં અંદાજે 45 કરોડનું માંગણુ છે, ત્યારે તેની સામે જુલાઈના અંત સુધી 7 તો ઓગસ્ટ મહિનામાં 53 લાખ ગણીને અત્યાર સુધી અંદાજે 8 કરોડની વસુલાત થઈ શકી છે.

જેમાં પણ મહતમ તો આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા જુની વ્યાજ અને પેનલ્ટી માફી માટે લાગુ કરાયેલી યોજનાના કારણે થવા પામી હતી. ગત વર્ષે પણ કુલ માંગણાના અડધાથી પણ ઓછી આવક નગરપાલિકાને થઈ હતી ત્યારે પાલિકાનું વેરા વસુલાત પ્રત્યેનું ઉદાસીન વલણ પ્રશ્નો જન્માવનારુ છે.

પાલિકાના વેરામાં વ્યાજમાફી યોજનાનો લાભ લેવા લોકોએ પોતે કચેરીએ આવીને બીલ લીધા
રાજ્ય સરકાર દ્વારા ઘોષીત કરાયેલી ગત વર્ષોના ચડેલા વ્યાજ અને પેનલ્ટીની માફી સાથે માત્ર વર્તમાન ભરણાની જોગવાઈનો લાભ લેવા માંગતા નગરજનોને બીલ ન પહોંચતા તેઓ પોતેજ કચેરીએ આવીને પોતાના બીલ મેળવીને તેનું ભરણુ કર્યું હતું. પાલિકા તમામ મીલકતો સુધી બીલ પહોંચાડવામાં પણ સક્ષમ નથી તો વિકાસકામો કઈ રીતે પહોંચાડી શકાય તેવી તીખી ટીક્કા ટીપ્પણીઓ પણ વહેતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...