એક તરફ જ્યાંરે તમામ વ્યવસ્થાઓને ડીજીટલ સ્વરુપ આપીને ઓનલાઈન કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે તો તેની સામે ગાંધીધામ નગરપાલિકામાં ઉંધી દિશામાં ચાલીને જે વ્યવસ્થાઓ ઓનલાઈન કરી હતી, તેને ઓફલાઈન કરી રહી છે. ગાંધીધામ પાલિકા નિવારણ માટે ઉભી કરવામાં આવેલી ઓનલાઈન વ્યવસ્થાને છેલ્લા બે અઢી મહિનાથી બંધ કરી દેવાઈ છે. એટલે કે હવે અગાઉની જેમજ લોકો ફરિયાદ નોંધાવશે તો તેની કાપલી જે તે વિભાગમાં જશે, ફરિયાદી અને વિભાગને અગાઉની જેમ મળતા સંદેશાઓ નહી મળે.
ગાંધીધામમાં પાણી ન આવવું, રોડના ખાડા, ઉભરાતી ગટર કે સફાઈ ન થતી હોવા સહિતની સમસ્યાઓ માટે નગરજનો રુબરુ આવીને કે વેબસાઈટ થકી ડીજીટલી પોતાની ફરિયાદ નોંધાવતા હતા. તે તમામ ફરિયાદ રજીસ્ટર્ડ થયા બાદ તેને ઓનલાઈન ચડાવાતી હતી અને તેનો ફરિયાદ ક્રમાંક સાથેનો સંદેશ એસએમએસ થકી ફરિયાદી અને સંલગ્ન વિભાગ સુધી જતો હતો. જેથી તે અંગે થતા કાર્યનું અપડેટ ફરિયાદીને પણ મળતું રહે, અને ફરિયાદનું સમાધાન થયા બાદ તે ક્વાયરી પુરી થયાનો સંદેશ પણ પાઠવાતો હતો.
પરંતુ હવે પાલિકાએ આ ફરિયાદોને ઓનલાઈન કરવાનું બંધ કરી દીધુ છે, અને ફરી અગાઉનીજેમ કાપલી વ્યવસ્થા લાગુ કરી દીધી છે. મતલબ કે દરેક નોંધાવાતી ફરિયાદની કાપલી જે તે વિભાગ સુધી જશે, જે આધારે કાર્યવાહી કરવા માટે જણાવાશે. આ જુની વ્યવસ્થામાં સમય, ઉર્જાનો ખર્ચ ઉપરાંત પારદર્શીતાનો અભાવ હોવાથી નવી સીસ્ટમ લાગુ કરાઈ હતી પરંતુ કોઇ કારણોસર તે બંધ કરી દેવાતા પ્રશ્નો ઉભા થયા છે.
સુત્રોએ જણાવ્યું કે છેલ્લા અઢીમ મહિનમાં ઓનલાઈન ફરિયાદો માત્ર 35 જેટલી આવી છે. આ અંગે ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે લોકો ઈ નગર થકી હજી પણ ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા હોવાનું કહીને પાલિકાની વ્યવસ્થા બંધ કરાઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતુ.
ફરિયાદનું સમાધાન થયા વિનાજ કામ થઈ ગયાના મેસેજ આવ્યાની ફરિયાદ પણ ઉઠી હતી
અગાઉ આ ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા અંગે પણ ફરિયાદો ઉઠવા પામી હતી. શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે તેમણે કરેલી ફરિયાદ બાદ જે સમસ્યા અંગે જણાવ્યું હતું, તેનું કોઇ સમાધાન થયા વિનાજ થોડા દિવસમાં “આ ફરિયાદનું નિવારણ કરાયું છે’ નો મેસેજ પાઠવીને કમ્પલેઈન બંધ કરી દેવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.