દુર્ઘટના:શિણાય ડેમમાં ગણપતિ વિસર્જન બાદ ન્હાવા પડેલા ગાંધીધામના પરિવારની સગીર પુત્રીનું ડુબવાથી મોત

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના ત્રણ સદસ્યો ડુબવા લાગ્યા, બે નો બચાવ પણ પુત્રી પરિવારની નજર સામેજ ગરકાવ થઈ
  • સરપંચે બે દિવસ પહેલાં જ લોકોને અહી ંવિસર્જન ન કરવા અપીલ કરીને પોલીસ પણ બોલાવી હતી

ગાંધીધામ તાલુકાના શિણાય ડેમમાં ગણેશ વિસર્જન માટે ગયેલા પરિવારમાંથી પુત્રીનું નજર સામેજ ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બે કલાકથી વધુ સમયના પ્રયાસો બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. નોંધવું રહ્યું કે બે દિવસ પહેલાજ સરપંચે અહી વિસર્જન ન કરવા અપીલ કરી અને અંકુશ માટે પોલીસ પણ બોલાવી હતી. શિણાય ડેમને તાજેતરમાં નર્મદા કેનાલનું ક્નેક્શન મળતા તેને રેવાના જળથી ભરવામાં આવ્યું છે ત્યારે ડેમમાં સારા પ્રમાણમાં પાણી હોવાથી ગણેશ વિસર્જન માટે તાલુકા ભરથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે.

મંગળવારના સવારે ગાંધીધામના ભારતનગરના રેલવે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર પણ ગણેશ વિસર્જન માટે આવ્યું હતું, સવારના 11:30 વાગ્યાના અરસામાં પરિવાર ડેમ પર પહોંચ્યું હતું અને ગણેશ વિસર્જન કર્યા બાદ ડેમમાં ન્હાવા લાગ્યા હતા. દરમ્યાન પગ લપસતા અને ઉંડો પટ આવતા જોત જોતામાં પરિવારના ત્રણ સદસ્યો ડુબવા લાગ્યા હતા. જેમાંથી બે કોઇ રીતે હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ તેમના પરિવારની 17 વર્ષીય પુત્રી ઉર્મીલાબેન દિનેશ રાજપુત પાણીમાં ગરકાવ થઈ હતી. આ અંગે અગ્નીશમન દળ અને ઈઆરસીને જાણ કરાતા તેવોએ સ્થળ પર ધસી જઈને શોધખોળ આદર્યાના બે કલાકના ગાળમાં મૃતદેહ બહાર કઢાયો હતો.

આદિપુર પોલીસના પીએસઆઈ એચ.એસ. તિવારીએ જણાવ્યું કે પરિવારે તેમની નજરો સમક્ષજ ઘટનાને જોઇ હોવાથી અને સાક્ષી હોવાથી પીએમ કરાવવા સહમતી આપી નહતી, જેથી ઘટનાની રુટીન નોંધ કરાઈ છે. નોંધવુ રહ્યું કે સરપંચ દિપક સોરઠીયા દ્વારા બે દિવસ અગાઉજ આ ડેમનું પાણી લોકોના પીવા માટે સપ્લાય કરાઈ રહ્યું હોવાથી પ્રદુષણ ન ફેલાય અને કોઇ દુર્ઘટના પણ ન ઘટે તે માટે લોકોને અહી વિસર્જન માટે ન આવવાની અપીલ કરી હતી. પરંતુ વધતી ભીડને જોઇને પોલીસને બોલાવી હતી.

ફાયરબ્રીગેડ, ઈઆરસીએ બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
ગાંધીધામ નગરપાલિકાની ફાયરબ્રીગેડનો સ્ટાફ અને ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની ટીમો ઘટનાની જાણ થતાજ સ્થળ પર ધસી ગઈ હતી અને ડુબેલી યુવતીની શોધખોળ આદરી હતી. બે કલાક જેટલા સમયના પ્રયાસો બાદ મૃતદેહને બહાર કઢાયો હતો, જેને રામબાગ લઈ જતા તબીબે મૃત જાહેર કરી હતી.

ગત વર્ષે અંતરજાળના તળાવમાં વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો હતો
આદિપુર પાસેના અંતરજાળ ગામમાં આવેલા તળાવમાં ગત વર્ષે ગણેશ વિસર્જન દરમ્યાન કિડાણાથી આવેલા 20 વર્ષીય યુવાન તળાવમાં ડુબી ગયો હતો. આખી રાતની શોધખોળ બાદ ઘટનાના બીજા દિવસે તેમનો મૃતદેહ મળી આવતા મીત્ર વર્તુળ અને પરિવારજનો આઘાત અને શોકની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...