આદિપુર તોલાણી સર્કલ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં જમવા આવેલા ઇસમોએ પૈસા મુદ્દે હોટલ સંચાલક સાથે બોલાચાલી કરી લાકડી વડે માર મારી તોડફોડ કરી હોવાની ઘટનામાં ત્રણ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી અને હાલ જ્યારે ચૂંટણીના માહોલમાં હથિયારબંધી છે તે સમયે આવા તત્વો ગાડીમાં લાકડી અને ધોકા જેવા હથિયાર રાખી મારકૂટ કરતા હોવાની ચર્ચા ઉઠી હતી.
અંજારના મેઘપર બોરીચીના ગાયત્રી નગરમાં રહેતા અને આદિપુરમાં તોલાણી સર્કલ ચાર રસ્તા નજીક આશાપુરા પરોઠા હાઉસ નામે હોટલ ચલાવતા મુકેશ પરષોત્તમ ખેમચંદાણીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી આદિપુર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાવ ગુરૂવારે રાત્રે સાડા દશ વાગ્યે બન્યો હતો.
જેમાં અજાણ્યા ત્રણ ઇસમો તેમની હોટલમાં જમવા આવ્યા હતા. જમી લીધા બાદ બીલ બાબતે બોલાચાલી કર્યા બાદ આ ત્રણ ઇસમોએ હોટલ સંચાલકને ધક બુશટનો માર મારી હોટલમાં લાકડી વડે તોડફોડ કરી ધોકા વડે તેમને પીઠના ભાગે ઇજા પહોંચાડી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
સવાલ એ ઉભો થાય છે કે હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને હથિયારબંધી હોવા છતાં આવા તત્વો ગાડીમાં લાકડી ધોકા લઇ ફરી રહ્યા છે તે શું પોલીસની નજરમાં નહીં આવ્યું હોય ? આ ઘટનામાં સૂત્રોનું માનીએ તો હોટલમાં જમ્યા બાદ માર કૂટ અને તોડફોડ કરનાર નશામાં ધૂત હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.