જામીન અરજી નકારાઇ:ભચાઉના દુષ્કર્મ કેસમાં શરત ભંગ કરનાર આરોપીની જામીન કોર્ટે રદ્દ કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જશોદાધામના યુવાનની હત્યાના અરોપીની રેગ્યુલર જામીન અરજી નકારાઇ

ભચાઉ પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મના બે વર્ષ પહેલાંના કેસમાં શરતોનો ભંગ કરનાર આરોપીના જામીન કોર્ટે રદ્દ કર્યા હતા અને 17 જુન સુધી સરેન્ડર થવા આદેશ કર્યો હતો,તો જશોદાધામ ખાતે મજૂરી કામ કરતા પરિવારના યુવાનને ઢોર માર મારી તેનું નાક કાપી લઇ હત્યા કરનાર આરોપીઓ પૈકી એક આરોપીએ કરેલી રેગ્યુલર જામીન માટેની અરજી ભચાઉ કોર્ટે નકારી કાઢી હતી.

મુળ બિહારના બ્રીજેશ રામજી સદા વિરુધ્ધ જુલાઇ-2020 માં દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિતનો ગુનો ભચાઉ પોલીસ મથકે નોંધાયા બાદ અટક કરી લેવાઇ હતી. આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી બાદ તા.25 ફેબ્રુઆરી 2021 ના રોજ અંજાર સેશન્સ કોર્ટે શરતોને આધીન જામીન મુક્ત કર્યો હતો.પરંતુ આ આરોપીએ સાતમા અધિક સેશન્સ જજ અંજાર દ્વારા ફરમાવેલી શરતોનો ભંગ કર્યો હોવાની અરજી સરકાર તરફે કરવામાં આવી હતી.

આ અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડ્વોકેટ ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજાએ આરોપીને ગુજરાત રાજ્યની હદ્દ ન છોડવા શરત લાદવામાં આવી છે તેમ છતાં હદ્દ મુકી જતા રહ્યા છે તેવું ખુદ પોતે કોર્ટને જણાવ્યું છે આમ શરતોનો ભંગ કરેલો છે. વળી ભોગ બનનારે બાળકને જન્મ આપ્યો છે જેમાં ડીએનએ સેમ્પલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પણ આરોપી ભાગી ગયો હતો.

બન્ને પક્ષની દલીલો સાંભળી ભચાઉ કોર્ટના 7 મા અધિક સેશન્સ જજ તથા સ્પેશીયલ એટ્રોસીટિ ની કોર્ટે આરોપીના જામીન રદ્દ કરી 7 દિવસમાં ડીએનએ સેમ્પલ માટે પોલીસ સ્ટેશન હાજર થવા તથા તા.17 જુન સુધીમાં ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો.

તો, મુળ પ્રાગપરના હાલે ભચાઉ જશોદાધામ રમેશ આહિરની વાડીએ ખેતમજૂરી કરતા બાબુભાઇ કરમણભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમનો પુત્ર પ્રકાશ બાબુભાઇ કરમણભાઇ કોલી તા.21/3 ના રોજ ઘરે પાટણ દવા લેવા જવાનું કહી સાણંદ રહેતી પરીણિતાને મળવા નીકળ્યો હતો.

આ પરીણિતાના સબંધીઓને આ વાતની ખબર પડતાં પરિણિતાના પતિએ તેના કાકા સસરાને વાત કરી પ્રકાશને પકડી લીધો હતો અને પ્રથમ સાણંદ ખાતે ઢોર માર મરાયા બાદ પ્રાગપર લઇ જવાયો હતો અને ત્યાં પણ માર મારી નાક કાપી લેવાયું હતું અને ત્યારબાદ તેના પિતાને જાણ કરી મૃતદેહ ફગાવી ભાગી ગયા હતા.

આ હત્યાને અંજામ આપનાર પ્રાગપરના આરોપી ધુના કરશન કોલીએ ભચાઉ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં કેસની ગંભીરતા ધ્યાને લઇ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી ભચાઉના 7 મા અધીક સેશન્સ જજે નકારી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...