જૂના મુખ્ય મેદાનની વ્યથા:રામલીલા મેદાનની સફાઈને પાછુ ગ્રહણ લાગ્યુ, ઘણા ટ્રકો ભરીને કચરો ઉપાડ્યો, તોય બાકીનો બાકી

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી કરવા નિર્ણય છતાં વારંવાર આવતી બાધાઓથી પરિસ્થિતિ ઠેરની ઠેર
  • કચરો ઉઠાવાયા બાદ ત્યાંજ ઠલવાતું હોવાની પણ રાવ, જીએસટી બનાવવા માંગે છે બગીચો પણ ફસાયેલો પેંચ ઉકેલ માંગે છે

ગાંધીધામના છેલ્લા છ દશકાથી દરેક પ્રકારના આયોજનો સાથે જેની સ્મૃતિઓ જોડાયેલી છે તે રામલીલા મેદાનમાં ખડકાયેલા ગાર્બેજના નિકાલની પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી હાથ ધરાઈ હોવા છતાં તેને વારંવાર ગ્રહણ લાગતું હોય તેમ બીજી વાર કામ રોકાઈ ગયું હોવાનું બહાર આવવા પામ્યું છે. આ તમામ વચ્ચે વર્તમાન પરિસ્થિતિ એવીજ જોવા મળી રહી છે કે હજી ઘણો કચરો ઉપાડવાનો બાકી છે. જ્યારે કે થોડા દિવસોમાંજ મેદાનમાંથી કચરો ઉઠાવી લેવાશે તેવો દાવો કરાયો હતો.

ગાંધીધામની પરિસ્થિતિમાં જમીનનો પ્રશ્ન ખુબજ મહત્વપુર્ણ બની રહે છે, કારણ કે મહતમ જમીન ડીપીએ પાસે છે અને પાલિકા સતત ઘણા બધા કાર્યોમાં જમીનનો અભાવ હોવાનો તર્ક આગળ ધરતું રહે છે. ગાર્બેજ સેગ્રેગેશન પ્લાંટનો વિષય હોય કે ડમ્પીંગનો. પાલિકા પાસે જમીન જ ન હોવાથી તે શહેરનો કચરો ફેંકે ક્યાં? તે પ્રશ્ન વર્ષોથી યક્ષપ્રશ્ન બની રહ્યો છે. દરમ્યાન ડીપીએ દ્વારા પાલિકાને ફાળવેલા રામલીલા મેદાનમાં એક ગાર્બેજ સેગ્રીગેગશન પ્લાંટનું નિર્માણ કરાયું છે તો બાકીની જગ્યાએ છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગાર્બેજ અને કચરો ડમ્પ કરાયો છે.

શહેરના પ્રાઈમ લોકેશનમાંથી એક હોવાના કારણે લોકોએ નારાજગીનો સુર ઉપાડતા, ધારાશાસ્ત્રીઓએ આ અંગે સમાહર્તા સુધી રજુઆતો અને અરજીઓ કરતા અને જાગૃત નાગરિકોએ તેમજ સેન્ટ્રલ જીએસટી જેવી કેંદ્રીય એજન્સીઓ થકી પણ આ અંગે પ્રયાસ હાથ ધરીને રામલીલા મેદાને કચરા મુક્ત અને સુંદર બગીચો બનાવવાના દિશામાં લાંબા સમયથી પ્રયાસ કરાઈ રહ્યો છે.

ત્યારે નગરપાલિકાએ આ તમામ દબાણ અને સક્ષમ ઓથોરિટીના આદેશો થકી અહીથી કચરો ઉઠાવવાની શરૂઆત મહિનાઓ પહેલા કરી, પરંતુ તેના બીલ મંજુર ન કરાતા આખરે તે કામ અન્ય એજન્સીને અપાયું. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર આચારસંહિતા લાગુ થયા સુધીમાં અઢળક ટ્રકો ભરીને ગાર્બેજ કાઢ્યા છતાં મેદાનમાંથી કચરો ઘટતો દેખાયો નહતો અને હવે કામકાજ ફરી સૃષુપ્ત અવસ્થામાં આવી ગયું છે.

નેશનલ હાઈવેનો પ્લોટ બની શકે સારો વિકલ્પ: ઈચ્છાશક્તિ જરૂરી
નેશનલ હાઈવે પર ગાંધીધામ નગરપાલિકા પાસે એક પ્લોટ ઉપલબ્ધ હતો, જે વર્ષો પહેલા ઓટોમોબાઈલ શોરુમની બગલમાં હોવાથી તે મામલો કોર્ટના દ્રાર સુધી જઈ આવેલો. હવે જ્યારે કે તે શોરુમ પણ બંધ થઈ ગયો છે ત્યારે આ ઉપલબ્ધ પ્લોટનો ઉપયોગ પાલિકા રામલીલા મેદાનની જેમ કરીને પ્રાઈમ લોકેશનમાં ઉપલબ્ધ આ મેદાનને શુદ્ધ કરે તેવો સુર ઉઠવા પામ્યો છે. આ અંગે પાલિકાના સતાવાર સુત્રોએ આ માટેના જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...