કાર્યવાહી:દારૂમાં પકડેલો આરોપી સર્વેલન્સ રૂમમાં સટ્ટો રમતો ઝડપાઇ ગયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનેગાર ઝડપાયા બાદ તેની પાસે મોબાઇલ આવ્યો ક્યાંથી?
  • આદિપુર પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનામાં જવાબદાર કોણ ? ઉઠતા સવાલ

આદિપુર પોલીસે બિયર સાથે પકડેલો આરોપી પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ સર્વેલન્સ રૂમમાં મોબાઇલ પર ક્રિકેટનો ઓનલાઇન સટ્ટાનો જુગાર રમતો ઝડપાયો હોવાની ઘટનાએ મોટી બેદરકારી છતી કરી છે કારણકે સામાન્ય રીતે આરોપીને પકડ્યા બાદ પોલીસ મોબાઇલ સહિત તમામ મુદ્દામાલ કબજે કરી લેતી હોય છે તો આ આરોપી મોબાઇલ પર જુગટું રમતો કઇ રીતે હતો ? જવાબદાર કોણ ? આ જવાબદારો સામે પગલાં લેવાશે ?

આદિપુર પોલીસે બુધવારે બપોરે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મનોજ ધરમદાસ આસનાની અને જયેશ ખેમચંદ આહુજાને રૂ.1,000 ની કિંમતના બિયરના 10 ટીન સાથે પકડી વાહન સહિત 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આદિપુર પોલીસ સ્ટેશનમાં લઇ આવી સર્વેલન્સ ઓફિસમાં બેસાડ્યા હતા. તે દરમિયાન મનોજ પોતાના મોબાઇલમાં કંઇક હરકત કરતો હોવાનું જણાતાં તપાસ કરી તો આ આરોપી પોલીસ સ્ટેશનની અંદર મોબાઇલ પર પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટાનો જુગાર રમી રહ્યો હતો. પોલીસનું ધ્યાન જતાં જ તેની પાસેથી રૂ.20,000 ની કિંમતનો મોબાઇલ જપ્ત કરી વધુ એક ગુનો જુગારનો પણ નોંધ્યો હતો.

ભારત-ઇંગ્લેન્ડ મેચ પર સટ્ટો રમતો શખ્સ જબ્બે
ગાંધીધામના સેક્ટર-1 માં આવેલા ગજાનંદ એપાર્ટમેન્ટ પાસે ગજાનંદ એન્ટરપ્રાઇઝ દુકાનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચ પર મોબાઇલ મારફત ઓનલાઇન સટ્ટાનો જુગાર રમી રહેલા દિપ શ્યામભાઇ ટેવાણીને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે રૂ.12,000 રોકડ અને રૂ.10,000 ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂ.22,000 ના મુદ્દામાલ સાથે પકડી લઇ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...