આદિપુર પોલીસ મથકમાં ચાર મહિના અગાઉ નોંધાયેલા ચીલઝડપના કેસમાં ગાંધીધામ સેશન્સ કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો હતો. આદિપુરમાં રહેતા સીમા સુનીલકુમાર શર્મા ઘરની બહાર શેરીમાં લારી પરથી ફ્રૂટ લેતા હતા. આ સમયે મોપેડમાં આવેલા ઈસમે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન 13,130 ગ્રામ રૂપિયા 45,000ની ઝૂંટવી નાસી ગયો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડા (મુસ્લિમ)નું નામ બહાર આવ્યું હતુ. પોલીસે આરોપીની અટક કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ અહીંની કોર્ટમાં ચાલી ગયો હતો.
ત્યારબાદ 13 સાહેદને તપાસવામાં આવ્યા હતા અને 45 દસ્તાવેજી આધાર રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ કું. હિતેષી પી. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી. અધિક સેશન્સ કોર્ટના ન્યાયાધીશે પુરાવા ધ્યાને લઈ તેમજ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠેરવ્યો હતો. સાત વર્ષની સખત કેદની સજા તથા 5 હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.