ટેક્સ ટ્રેકીંગ:ગાંધીધામ અને ભુજની 6 રેસ્ટોરન્ટ, હોટલમાં 38 લાખની કરચોરી ખુલી

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • S-GSTની 11 સ્થળે કાર્યવાહીમાં 4.56 કરોડના છુપા વ્યવહાર ઉજાગર
  • કંડલા વિસ્તારના 5 લિક્વિડ સ્ટોરેજ ટેંકમાં સરવે કામગીરી બાદ જરૂરી દસ્તાવેજોની ચાલતી તપાસ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બુધવારે ગાંધીધામ, ભુજ અને કંડલામાં કુલ 11 સ્થળોએ હાથ ધરાયેલી કાર્યવાહી પુર્ણ થઈ હતી. 6 હોટલ અને રેસ્ટોરંટમાંથી 38 લાખની કરચોરી કરાયાનું ખુલવા પામ્યું હતું, તો 5 ટર્મીનલ્સમાં સર્વે બાદ જરૂરી દસ્તાવેજોની માંગ, ચકાસણી કાર્ય ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. એસજીએસટી વિભાગના આધારભુત સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામ અને ભુજમાં બન્ને સ્થળે આવેલી 10 ઈલેવન રેસ્ટોરંટ, ગાંધીધામમાં આવેલી હેરીસ હોટલ, ભુજની હોટલ ડોલર, કેબીએન રેસ્ટોરંટ અને અક્ષર ફેન્સી ઢોંસાના પ્રતિષ્ઠાનોમઆં વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તમામમાં કુલ મળીને 4.56 કરોડના છુપાવેલા વ્યવહારો તપાસમાં છતાં થયા હતા,જેના થકી કુલ 38.06 લાખની કરચોરી કરાયાનું ખુલ્યું હતું, જેની ભરપાઈ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો કંડલા વિસ્તારમાં આવેલા લીક્વીડ સ્ટોરેજ ટર્મીનલ્સમાં પણ હાથ ધરાયેલી સર્વેની કામગીરીમાં જરૂરી દસ્તાવેજો રજુ કરવા જણાવીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

5 સ્ટોરેજ ટર્મીનલ્સમાં આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું, જેમાં સનસાઈન લિક્વિડ સ્ટોરેજ પ્રા. લીમીટેડ, સીઆરએલ ટર્મિનલ પ્રા. લીમીટેડ, રીશી કિરણ ટર્મિનલ પ્રા. લીમીટેડ,અંબાજી ઈમ્પોર્ટ પ્રા. લીમીટેડ, શ્રીજી લિક્વિડ સ્ટોરેજ ટર્મીનલ પ્રા. લીમીટેડનો સમાવેશ થાય છે. જીએસટી વિભાગની આ કાર્યવાહીથી કરચોરોમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો.

નોંધવું રહ્યું કે, આવક વેરા વિભાગની સંકુલમાં લાબા સમયથી નિષ્ક્રીયતા તેમજ સેન્ટ્રલ જીએસટી દ્વારા પણ બેઇઝ ઓઇલ સંલગ્ન કામગીરી બાદ સાધી લેવાયેલી ચુપ્પી વચ્ચે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ સર્વે અને દરોડા થકી કરચોરોમાં સરકારી વિભાગો હજુ પણ જાગૃત હોવાનો સંદેશ જવા પામ્યો હતો. દરોડાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સંલગ્ન વ્યવસાયીઓએ પોતાના સીએના ફોન ફરાવ્યા હતા.

નંબર રદ થયા બાદ પણા ધંધો ચાલુ રાખવા, વેચાણ છુપાવવા બદલ કાર્યવાહી
જીએસટી વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી પાછળ બે પ્રકારની ગેરરીતીઓ સામે આવવા પામી હતી, જેમાં નંબર રદ કે બંધ થયા બાદ પણ ધંધો ચાલુ રાખવા અને વેંચાણ છુપાવવા આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારની ગેરરીતીઓ સામે આવતી રહી છે ત્યારે સીજીએસટી બાદ એસટીજીએસટી દ્વારા કરાયેલી કાર્યવાહીથી વેરાની ચોરી સાથે જોડાયેલા તત્વો ઉંચાનીચા થતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...