કાસેઝમાં સોપારીકાંડ:225 કરોડની કરચોરીની આશંકા, સરકારને ચુનો ચોપડનારા પૈકી બેની ધરપકડ

ગાંધીધામ2 મહિનો પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • DRIનાં સમન્સની અવગણના કરી હોવાનો આક્ષેપ
  • દોઢ વર્ષમાં નિકાસ કરાયેલા 500 કન્ટેનર બાંગ્લાદેશના નામે બહાર કાઢી સ્થાનિક (દેશમાંજ) વેંચી મારવામાં આવ્યાની વકી

કાસેઝથી ડ્યુટીચોરી કરીને સોપારીને સ્થાનિક બજારોમાંજ વેંચી મારવાના વર્ષોથી ચાલતા કારસા પર એક મોટી કાર્યવાહી કરીને ડીઆરઆઈએ ગાંધીધામથી પંકજ ઠક્કર અને ભાગીદાર મેહુલ કે ધવલ પુજારાની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે. બન્નેને ગાંધીધામ કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા, જે આજે પુર્ણ થતા ફરી રજુ કરવામાં આવનાર છે. દોઢેક વર્ષના સમયગાળામાં ભજવાયેલું આ આખુ ડ્યુટીચોરી કૌભાંડ 225 કરોડનું હોવાનો અંદાજો હાલ લગાવાઈ રહ્યો છે.

કૌભાંડ 225 કરોડનું હોવાનો અંદાજો
કોમોડીઝીસ સાથે જોડાયેલી આ અત્યાર સુધીની ડીઆરઆઈની સૌથી મોટી કાર્યવાહીઓ અને તપાસમાંથી એક ગણાવાઈ રહી છે. કાસેઝમાં આદિત્ય એક્સપોર્ટ યુનિટ દ્વારા સોપારીની છેલ્લા દોઢેક વર્ષથી આયાત કરાતી હતી. જે જથ્થો કાસેઝમાં મંગાવવામાં આવતા બોન્ડ ટુ બોંડના આધારે તેના પર ભારતમાં સ્થાનિક બજારમાં વેંચવા કે ઉપયોગ કરવા માટે નિયમાનુસાર લાગતી 100%થી વધુની ડ્યુટીને લગાવાતી નહતી. સ્પે. ઈકોનોમિક ઝોન એવા કાસેઝમાં તેની આયાત થયા બાદ તેને ત્યાંથી સીધી દેશબહાર એટલે કે બાંગ્લાદેશમાં એક્સપોર્ટ દર્શાવી કન્ટેનરને ઝોનથી બહાર કાઢી લેવાતા હતા.

સોપારીનો જથ્થો સ્થાનિક માર્કેટમાં વેંચી દેવાયો ​​​​​​​
પરંતુ તે કન્ટેનરો માલ સાથે બાંગ્લાદેશ પહોંચતા ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કોઇ રીતે બાંગ્લાદેશમાં કાર્ગો આગમનની એંટ્રી થતી, જેમાં ખાલી કંટેનરો જતા કે તેની જગ્યાએ અન્ય કાર્ગો ઘુસાડી દેવાતો હતો. પરંતુ સોપારીનો જથ્થો સ્થાનિક માર્કેટમાં વેંચી દેવાયો હતો, જેમાં દિલ્હી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આમ, સરકારની તિજોરીમાં દરેક કંટેનર દીઠ અંદાજે 50 લાખ જેટલાની ડ્યુટી ચોરી આચરવામાં આવતી હોવાની સંભાવના છે.

દોઢ વર્ષમાં 500 જેટલા કન્ટેનરોને આ રીતે બહાર કઢાયા
​​​​​​​​​​​​​​
પ્રાથમિક તપાસમાં બહાર આવતી વિગતો અનુસાર એક શક્યતા એવી છે એ દોઢ વર્ષમાં 500 જેટલા કન્ટેનરોને આ રીતે બહાર કઢાયા છે અને સરકારની બનતી ડ્યુટી આપ્યા વિના સ્થાનિક બજારોમાં વેંચી મરાયા છે. જે અનુસાર ગણના કરતા આ રકમ અધધ.. 225 કરોડ થવા જાય છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સના સુત્રોએ જણાવ્યું કે હાલ તપાસ ચાલુ છે, વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

રડાર પર મોટા માથાઓ પણ; દુબઈના તાર પણ જોડાયેલા હોવાની વકી
પ્રાથમિક તપાસમાં જોવા મળતા મોટા ષડયંત્રનું સંચાલન કે એ માટેની નાણાકીય જોગવાઇ સ્થાનિક સ્તરેથી થઇ શકે તેવી સંભાવના તજજ્ઞો નકારે છે. આ મોડસ ઓપરેન્ડી પાછળ દુબઈ બેઠેલા કેટલાક આકાઓ અને ગાંધીધામમાં પણ સક્રિય કેટલાક જુના જોગીઓ સામેલ હોવાની ચર્ચા છે. ટુંક સમયમાં લીંકોના આધારે તેમના પર કાર્યવાહી કરાય તેવી સંભાવના છે.

ફુડ વિભાગ, પીપીક્યુના નિયમોનું પણ ઉલ્લંઘન
કોઇ પણ ખાધ્ય કે પ્લાંટ સબંધિત સામગ્રી જ્યારે અન્ય દેશમાં આયાત કરાય તો તેના ફુડ સબંધિત લાયન્સન અને ખરાઈ તેમજ પીપઈક્યુ વિભાગ દ્વારા તેમાં દેશને નુકશાન કરે તેવા કોઇ કિટાણુ નથી તેનું ફ્યુગેશન થાય કે નિર્ધારીત થાય તે નિયમ છે. પરંતુ સરકારના ચોપડા બહારજ સ્થાનિક બજારોમાં જતા આ કાર્ગોમાં ડ્યુટી ચોરી સાથે આ નિયમોનું પણ છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

3ને સમન્સ; કોરોના થયાના બહાનાઓથી બચતા હતાઃ એક અંડર ગ્રાઉન્ડ
પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યવાહીમાં કુલ ત્રણ વ્યક્તિઓ બે યુનિટના ભાગીદારો અને એક ત્યાં કામ કરતા વ્યક્તિને સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવાયા હતા. પરંતુ આમાની મુખ્ય વ્યક્તિએ બે મહિના પહેલા કોરોના થયો હોવાનું અસ્વસ્થતાનું કારણ આગળ ધરીને થોડા મહિના ટાળ્યા હતા. પરંતુ અંતે સમન્સ ધારી બન્ને ભાગીદારોની ધરપકડ કરાઈ છે, તો એક અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

એક કિલો સોપારીનો માર્કૅટમાં 400 થી 900 રુપીયાની, ઈમ્પોર્ટ ડ્યુટી 110% લાગે છે
ગુજરાતમાં સોપારી માવા માટે જાણીતી છે, તેના બહુઆયામી ઉપયોગ છે. મહતમ સ્વરુપે આયાત થતી સોપારી લોકલ માર્કેટમાં કિંમત તપાસ કરતા 400 થી 900 ના દર વચ્ચે વેંચાતી હોવાનું સામે આવ્યું હતું. ઈમ્પોર્ટેડ સોપારીના પડતર દર 300 આસપાસ હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. તો જો ભારતમાંજ ઉપયોગ માટે તેની આયાત થતી હોય તો તેના પર 110% ડ્યુટી લગાવવામાં આવે છે.
આમ જે ભાવમાં પડી હોય, એટલોજ ટેક્સ સરકારમાં જમા કરાવવો પડે છે. જેની ચોરી કરીને આ જથ્થો સ્થાનિક બજારમાં કાઢવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...