ગાંધીધામ તાલુકાના મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં આવેલા એક ગોદામની દીવાલમાં બાકોરું પાડી તસ્કરો તેમાંથી રૂા.1,22,400ની ખાંડની બોરીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યુ હતુ કે, મીઠીરોહર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 355, નરેશ મુલચંદાણી ગાંધી ગોદામમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. એચ.આર.એમ.એમ. એગ્રો ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીએ આ ગોદામ ભાડે રાખ્યું છે.
આ કંપનીએ ગોદામમાં ખાંડની બોરીઓ રાખી હતી. 20 દિવસ અગાઉ તપાસ કરાતાં ગોદામમાં માલ બરોબર જણાયો હતો. પરંતુ તા. 31/12ના સવારના ભાગે ગોદામમાંથી ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ગોદામની પાછળની દીવાલમાં નીચેના ભાગે બાકોરું પાડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદરથી 25 કિલોની 100 બોરી તથા 50 કિલોની 22 બોરી એમ કુલ રૂા. 1,22,400ની ખાંડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે હિતેશ પરષોત્તમ ગંગવાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોટી માત્રામાં ખાંડની ચોરી કરવા આવેલા શખ્સોએ કોઈ મોટા વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકાના પગલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.