ટ્રાન્સપોર્ટરો ત્રાહિમામ:મીઠીરોહર જીઆઇડીસીમાં ટ્રકમાં ભરેલી 22 હજારની ખાંડની બોરીઓ ચોરાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં ડીઝલ, ખાંડ અને ચોખાની ચોરીની ઘટનાઓથી ટ્રાન્સપોર્ટરો ત્રાહિમામ
  • મચ્છુનગર​​​​​​​ પાસે ટ્રકની તાલપત્રી તોડી 18 હજારની કિંમતના ચોખાની 11બોરી કાઢી લેવાઇ

ગાંધીધામમાં ટ્રકોમાંથી ડીઝલ ચોરીની સાથે ટ્રકમાં લોડ કરેલા માલસામાનની ચોરીથી પણ ટ્રાન્સપોર્ટરો ત્રાહીમામ પોકારી ગયા છે જેમાં મીઠીરોહર જીઆઇડીસીમાં ટ્રકમાં લોડ કરેલી રૂ.22 હજારની કિંમતની ખાંડની 12 બોરી ચોરી થઇ હોવાની, તો મચ્છુનગર પાસે વજનકાંટા પાસે ઉભેલી ટ્રકની તાલપત્રી તોડી રૂ.18 હજારની કિંમતના ચોખાની 11 બોરી તસ્કરો ચોરી ગયા હોવાની વધુ બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.

મહારાષ્ટ્રના નાંદેડની ન્યુ મામા રોડલાઇન્સની ટ્રકમાં ચાલક તરીકે નોકરી કરતા બલજિંદ્રસિંગ કરમસિંગ સંધુએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, નાંદેડથી ભાવુરાવ સાકર સરકારી કારખાનામાંથી ખાંડની બોરી ટ્રકમાં લોડ કરી હરમનસિંગ સાથે તા.11/12 ના સવારે સાત વાગ્યાના અરસામાં મીઠીરોહર જીઆઇડીસીના પ્લોટ નંબર 325 માં નવ્યા ફુડ્સ માં ખાલી કરવા પહોંચ્યા હતા.

જીઆઇડીસીના વિનાયક વજન કાંટા પાસે ટ્રક પાર્ક કરી તેઓ બન્ને સૂઇ ગયા હતા. કોઇ અજાણ્યા ઇસમો તે દરમીયાન તાલપત્રી ફાડી રૂ.22,800 ની કિંમતની ખાંડની 12 બોરીઓ ચોરી કરી ગયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

તો ભુજના કોડકડી ગામે રબારી વાસમાં રહેતા ટ્રક ચાલક વેરશીભાઇ ગોપાલભાઇ રબારી તેમના શેઠ મયુરભાઇ શામજીભાઇ વારોત્રાની ટ્રકમાં સાણંદની સીતા એગ્રો ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી ચોખાની 600 બોરી લોડ કરી ગાંધીધામના મચ્છુનગર પાસે શાંતિલાલ ગોદામ નજીક આવેલા હરી વજન કાંટા પાસે પાર્ક કરી કુદરતી હાજતે ગયા હતા. તેઓ પરત આવ્યા.

​​​​​​​ ત્યારે કોઇ અજાણ્યા ઇસમો ટ્રકની તાલપત્રી તોડી રૂ.18,788 ની કિંમતના ચોખાની 11 બોરી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. હાલ તો ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સતત ચોરીઓને અંજામ આપતી ગેંગને કારણે ટ્રાન્સપોર્ટરો ત્રાહિમામ પોકારી ગયા છે.

ટ્રકમાંથી ડિઝલ ચોરી કરતી ગેંગ બાબતે 1 દિવસ પહેલાં જ એસપીને રજુઆત કરાઇ
ગાંધીધામ સંકુલમાં ટ્રકમાંથી ડિઝલ ચોરી કરતી ગેંગ તેમજ તાલપત્રી તોડી માલ સામાન ચોરી કરતી ગેંગને કારણે હવે તસ્કરો ત્રાસી ગયા છે. ડિઝલ ચોરીની ઘટના બાદ એસોશિયેસન દ્વારા ગઇકાલે જ પૂર્વ કચ્છ એસપીને રજુઆત કરી આ ગેંગને પકડી લેવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...