પરિવારમાં માતમ:રાપરમાં રસ્તા પર અચાનક આખલો આડો ઉતરતાં ત્રંબૌના બાઇક ચાલકને કાળ આંબ્યો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે બનેલી ઘટનામાં ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

રાપરના દૂધ ડેરી વિસ્તારમાંના રસ્તા પર અચાનક આખલો આડો ફરતાં ટકરાયેલા જુની ત્રંબૌ રહેતા યુવાન બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો. બુધવારે બનેલી ઘટનામાં ભુજ હોસ્પીટલ ખાતે ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાયો હતો.

જૂના ત્રંબૌમાં ખડતલવાંઢમાં રહેતો 25 વર્ષીય પ્રેમજી તુલસીભાઈ એવારીયા તા.8/6 ના રાત્રે 10 વાગ્યે રાપરની દૂધ ડેરી નજીક આવેલી નદીના રોડ પર જઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક સામેથી આખલો આવી જતાં પ્રેમજીએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આખલા સાથે અથડાયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને બોલેરો મારફત રાપરની સરકારી હોસ્પિટલે લઈ ગયાં હતા. ત્યાંથી તેને સામખિયાળી અને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

છેલ્લે વધુ સારવાર માટે તેને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ રીફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. મૃતકના ભાઇ ભરત તુલશીભાઇ એવારીયાએ આ બાબતે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ વી.કે.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ રખડતા ઢોરને કારણે પરિવારે એક યુવાન દિકરો ગુમાવ્યો છે. આ રખડતા ઢોરના ત્રાસ બાબતે અનેક વખત અવાજ ઉઠાવાયા છે પરંતુ આ દિશામાં કોઇ નક્કર કામગીરી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...