કાર્યવાહી:ભાગીદારીમાં ચાલતા આંકડાના ધંધા પર રાજ્યસ્તરનો દરોડો, અંજારમાં 9 આરોપી 2.32 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય સૂત્રધારો તથા દુકાન આપનાર પકડવાના બાકી

અંજારના ગંગાનાકે 1 વર્ષથી 6 લોકો દ્વારા પાર્ટરશિપમાં 1 વર્ષથી ચાલતા વરલી મટકાના જુગાર પર સ્થાનિક તંત્રને ઉંઘતું રાખી રાજ્ય સ્તરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકી 9 જુગારીઓને રૂ.2.32 લાખના મુદ્દામાલ સાથે પકડી લેતાં હડકંપ મચી ગયો છે. જો કે હજી છ મૂખ્ય સૂત્રધાર અને આ જુગાર રમવા માટે દુકાનો ભાડે આપનાર શખ્સને પકડવાના બાકી છે તમામ વિરૂધ્ધ એસએમસીએ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ગંગા નાકા રોડ પર આશાપુરા નાસ્તા ગૃહ નજીક બંધ કેબિનો પાસે દ્વિચક્રી વાહન પર બેસીને ડાયરીમાં આંકડા લખતાં સતીષ મહેન્દ્રભાઈ દવે (રહે. નગરપાલિકા કોલોની, અંજાર)ને 1,840 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો. સતીષ પાસે આંકડો લખાવવા આવેલાં કિશનબહાદુર કલમબહાદુર સરકી અને મનોજ રામલાલ સોની નેપાળી નામના બે ઘરાકોને પણ પકડી લેવાયા હતા.

સતીષને પકડ્યાં બાદ એસએમસીએ નજીકમાં ગંગેશ્વર મહાદેવ મંદિર સામે મહેન્દ્રસિંગ ઊર્ફે સોનુ સરદારજીની માલિકીવાળી આવેલી દુકાનમાં સટ્ટો લખતાં ઈકબાલ રમજુ સરાણીયા અને શાહરૂખ મહેબુબ શેખને આંકડા લખવાના સાહિત્ય સાથે ઝડપી પાડ્યા હતા. ઈકબાલ પાસેથી11,370 રોકડ સાથે બાઇક, મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા.પકડાયેલા ઈકબાલે જણાવ્યું કે શેઠ પાર્ટનરશીપમાં સટ્ટો રમાડે છે અને આંકડા લખવા તેને માસિક 17હજારના પગારે નોકરીએ રાખેલો છે.

શાહરૂખ પાસેથી 1,430 રોકડા, ફોન અને વાહન જપ્ત કરાયું હતું. શાહરૂખે પોતે દૈનિક 300રૂપિયાના પગારે રાઈટર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.દુકાનમાં સટ્ટો લખાવવા આવેલાં રમજુ પ્રેમજી સથવારા, જાવેદ હારૂન પીંજારા અને અયુબ સિધિક છરેચા પણ રોકડ રકમ, વાહનો સાથે ઝડપાયા હતા. રાઈટરો શ્રીદેવી, મિલન અને કલ્યાણના નામે આંકડા લખતા હતા. ત્રણે રાઈટરોએ પૂછતાછમાં જણાવ્યું હતું કે મહેન્દ્રસિંગ ઊર્ફે સોનુ સરદારજીએ આ દુકાન ઓસમાણશા જમાલશા શેખને વપરાશ કરવા આપેલી છે.

તેમના શેઠ અમરસિંહ દરબાર, શૈલેન્દ્રસિંહ દરબાર, શક્તિસિંહ જાડેજા, ઓસમાણશા જમાલશા શેખ, યાસિન ભચલશા શેખ અને અબ્દુલભાઈ દાઉદભાઈ કુંભાર છ એ જણ પાર્ટનરશીપમાં છેલ્લાં એક વર્ષથી આંકડાનો જુગાર રમાડે છે. રાઈટરો પાસેથી વેપાર લઈ તેઓ પોતે જ વેપાર ખાય છે અને ઉપર ક્યાંય કપાવતાં નથી.દરોડા દરમિયાન દુકાનમાં પિતા વતી હિસાબ લેવા આવેલો ઓસમાણશાનો પુત્ર સલીમશા પણ ઝડપાઈ ગયો હતો.

તેની પાસેથી 1500રોકડા અને ફોન, બાઇક જપ્ત કરાયા હતા.રાજ્ય સ્તરની ટીમે કુલ રૂ.22,470 રોકડા રૂપિયા, 1.90 લાખની કિંમતના 5વાહનો, 40,000કિંમતના 8 મોબાઈલ ફોન અને દુકાનમાંથી મળી આવેલાં લાકડાના ટેબલ, ખુરશીઓ, પાણીના કુલર વગેરે જેવો સર-સામાન મળી કુલ રૂ.2,54,530 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

4 વર્ષ પહેલાના દરોડામાં પીઆઇ સસ્પેન્ડ થયા હતા
આજથી 4 વર્ષ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ જ ગંગાનાકા વિસ્તારમાં દારૂનો દરોડો પાડ્યો હતો જેમાં તત્કાલિન પીઆઇ એમ.આર.ગોઢાણીયા સસ્પેન્ડ થયા હતા. આ 1 વર્ષથી પાર્ટનરશિપમાં ચાલતા વરલી મટકાના જુગારમાં પણ જવાબદાર અધીકારી સામે પગલાં લેવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...