માંગ:કંડલા એરપોર્ટમાં વધતા ટ્રાફિકને પહોંચી વળવા વધુ ફ્લાઈટ શરૂ કરો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા એરપોર્ટના વિકાસ અર્થે ગાંધીધામ ચેમ્બરની ઓથોરિટી સાથે બેઠક મળી
  • 1980માં બનેલું ટર્મીનલ હવે જુનું થયું, નવું બનાવો અને સ્ટાફ ડ્યુટી ત્રણ શીફ્ટની કરવા માંગ

કંડલા-ગાંધીધામ સંકુલ ચોતરફ વિકાસની આગેકુચ કરી રહ્યું છે ત્યારે રોડ, રેલ અને હવાઈ જોડાણની માળખાગત સુવિધાઓમાં પણ ઉતરોતર વધારો કરવો આવશ્યક હોવાથી ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓએ કંડલા એરપોર્ટ ખાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, દિલહીથી આવેલ ઉચ્ચ સ્તરીય ટીમ અને ડાયરેક્ટર સાથે બેઠક યોજી એરપોર્ટના વિસ્તરણ અને આધુનિકરણ કરવા મુદે ચર્ચા વિચારણા કરી હતી.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું કે, બે મોટા મહાબંદરો અને ઉદ્યોગો છે ત્યારે હવાઈ જોડાણની આવશ્યક્તા વધી જાય છે. તાજેતરમાં કંડલા એરપોર્ટ ખાતે આઇએફઆર સીસ્ટમ પણ કાર્યાન્વિત થઈ ગઈ છે, જેથી એરપોર્ટને 3 શીફટમાં ચાલુ રાખવા માટે વધારાના ઓપરેટીંગ સ્ટાફની નિમણુંક કરવા, ટર્મિનલ બિલ્ડીંગ કે જે 1980 માં બન્યું છે, તેને વિસ્તરણ કરી આધુનિકરણ કરવા, મોટા એરક્રાફ્ટ ઉતરી શકે તે માટેનો રન-વે બનાવવા, આનુસંગિક સુવિધાઓ વધારવા, અગ્નિ શામક સંયંત્રોની વ્યવસ્થા ગોઠવવા તથા ટર્મિનલ ઓપરેટીંગ સુવિધાઓનું ઓટોમેશન કરવા ભારપૂર્વક રજુઆત કરી હતી.

ચેમ્બર મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે, વધતી જતી હવાઈ મુસાફરીની માંગને પહોંચી વળવા વધારાની દિલ્હી, મુંબઇ, અમદાવાદ, સુરતની હવાઇ સેવાઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. આ બેઠકમાં દિલ્હીથી આવેલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ડીજીએમ ખુર્રમ નસીમ અને અંસારી, સીનીયર મેનેજર આશિષ અને અંકિતા, કંડલા પોર્ટના એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મેંઘલ અને એરપોર્ટ ટ્રાફિક ટ્રોલર (ઇન્ચાર્જ) જાવેદ આલમ, ચેમ્બર પ્રમુખ તેજા કાનગડ, વેલસ્પનના જીએમ ગિરિશકુમાર માથુરે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...