ગાંધીધામના સપનાનગરમાં રહેતા રેલ્વે પ્રોટેક્શન ફોર્સના નિવૃત સિક્યુરીટી ઓફિસરના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ રૂ.1.52 લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ગાંધીધામના સપનાનગરના મકાન નંબર-ડી/5 માં રહેતા રેલ્વે પ્રોટેક્શન ફોર્સના નિવૃત આસિસ્ટન્ટ સિક્યુરીટી કમિશ્નર 63 વર્ષીય અનિલકુમાર જયપ્રકાશ શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની સરિતા શર્મા સાથે મહારાષ્ટ્રના થાણેમાં રહેતી પુત્રી શ્રેયાના ઘરે ગયા હતા.
તા.30/5 ના તેમના ગાંધીધામ સ્થિત ઘરે છોડવામાં પાણી આપવા આવતા પ્રવિણભાઇ મહેશ્વરીએ ફોન કરીને જાણ કરી હતી કે, મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો છે અને ઘરમાં ચોરી થઇ છે. તેમણે આવીને તપાસ કરી તો, બેડરૂમના કબાટમાંથી તેમના મૃતક માતાના દાગીને જે 15 વર્ષ અગાઉ ખરીદેલા હતા જેમાં રૂ.15,000 ની કિંમતની 1 તોલો 5 ગ્રામની સોનાની પેંડલ ચેઇન,રૂ.10,000 ની કિંમતની લોનાની બે વીંટી, રૂ.5,000 ની કાનમાં પહેરવાની સોનાની કડીની જોડી તેમજ રૂ.1,00,000 રોકડ ચોરી થયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમના નાના ભાઇ સુનિલ શર્માના જણાવ્યા મુજબ તા.25/5 ના રોજ પાણી આપવા માટે પ્રવિણભાઇ આવ્યા ત્યારે તાળું બરોબર હતું. તા.30/5 ના તેઓ આવ્યા ત્યારે તાળું તૂટેલું જોયું હતું. પીએસઆઇ બી.વી.ચુડાસમાએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સંકુલમાં ઘર રેઢું હોય તો તસ્કર ગેંગના નિશાને ચડી જાય છે જે મોટો પડકાર છે તે પોલીસ માટે પડકાર જ રહેશે ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.