કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક કંપનીના પ્લાન્ટમાંથી ત્રણ દિવસ પહેલાં જ સ્ક્રેપ ચોરીની ઘટના નોંધાયા બાદ આજે ફરી એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા બે કર્મચારીઓએ રૂ.14 હજારની કિંમતના શેમ્પુની બોટલો ચોરી કરી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
કાસેઝમાં આવેલી યુનિલીવર ઇન્ડીયા એક્સપોર્ટ લિ. કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા સુઝન જોન ક્રિશ્ચિયને ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની કંપની શેમ્પુ, બોડી વોશ, ક્રીમ, લોશન વગેરે પ્રોડક્શન બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરે છે. તેમના યુનિટમાં આશરે 400 થી 500 જેટલા માણસો કામ કરે છે.
આજે બપોરે કંપનીમાં કામ કરતા ભાવેશભાઇએ જાણ કરી હતી કે, પ્રોડક્શન ડિપાર્ટમાં રહેલી ડવ શેમ્પુની 240 એમએલની 40 બોટલો ઓછી જોવા મળે છે. આ જાણ કર્યા બાદ અંદર કામ કરતો જ કર્મીએ આ ચોરી કરી હોવાનું જણાઇ આવતાં તપાસ ચાલુ હતી તે દરમિયાન લાલ ગેટ કસ્ટમ ગેટ પર તૈનાત કર્મચારી કામોરસિંહે ફોન કરી જાણ કરી હતી કે તમારી કંપનીના બે માણસો ડવ શેમ્પુની બોટલો સાથે ચેકિંગ દરમિયાન મળી આવ્યા છે.
આ જાણ થતાં તેઓ કંપનીના ભાવેશભાઇ અને શૈલેશભાઇ સાથે ત્યાંપહોંચ્યા હતા. તેમની કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા કિડાણાના મોહન મકવાણા અને ગફુર ગાધ હોવાનો ખ્યાલ આવતાં બન્ને વિરુધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે આ બન્ને જણાએ રૂ.14,000 ની કીંમતના શેમ્પુની 40 બોટલો ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં તો ચોરી કરનાર પકડાઇ ગયા પણ અત્યાર સુધીના બનાવોમાં એ વાત સાબિત થઇ રહી છે કે મુક્ત વ્યાપાર ક્ષેત્રમાં તસ્કરો મુક્ત પણે ચોરીને અંજામ આપી રહ્યા છે.
કાસેઝના મુખ્ય દરવાજાના ખાનગી સુરક્ષા ગાર્ડ પર સઘન તપાસ જરૂરી
કાસેઝના મુખ્ય દરવાજા પર ખાનગી રાહે અપાયેલા કોંટ્રાક્ટમાં ઘણી ગેરરીતીઓ આચરાઈ હોવાની ચર્ચા ઉઠતી રહી છે. ત્યારે વારંવાર થતી ચોરીના બનાવો અને બહાર નિકળી જતા સામાનના કારણે આ સુરક્ષા કર્મીઓની તપાસ કરાય અને જરૂર પડ્યે રીટેન્ડરીંગ પણ કરાય તેવો સુર ઉઠવા પામ્યો છે. નોંધવુ રહ્યું કે અગાઉ પણ અહી સુરક્ષા કર્મીઓના મીલીભીગતના આક્ષેપો ચોરીછુપીથી ઉઠતા રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.