મેઘમહેર:ભારે બફારા બાદ રાત્રે ગાંધીધામમાં ઝાપટાં

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ ભાદરવાના તાપથી તપ્યું
  • કંડલા 39.3 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ
  • ભુજ 39.1 ડિગ્રી સાથે બીજુ સૌથી ગરમ

ભાદરવાનો તાપનો અહેસાસ ફરી એક વાર શુક્રવારના કચ્છના શહેરી વિસ્તારોમાં જોવા મળ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમ કંડલા (એ.) રહ્યું હતું તો બીજા સૌથી ગરમ શહેરના ક્રમાક પર ભુજ રહ્યું હતું. તો રાત થતા સુધીમાં ગાંધીધામ, અંજારમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. મુન્દ્રામાં છાંટા પડ્યા હતા. તેમજ ભુજમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. મૌસમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું કે ગુજરાતમાં શુક્રવારના મહતમ તાપમાન 39.3 ડિગ્રી કંડલા (એ.) ખાતે નોંધાયું હતું. તો બીજી સૌથી વધુ તાપમાન ભુજમાં 39.1 ડિગ્રી પાટણ અને ડીસા સાથે નોંધાયું હતું.

પરંતુ આંકડાઓથી પાર આ ભાદરવાની ગરમીનો અહેસાસ લોકોને જમીની સ્તર પર મોટા પ્રમાણમાં થયો હોવાનું જોવા મળ્યું હતું. ગાંધીધામ, આદિપુર અને અંજાર વિસ્તારના નગરજનો બપોરથીજ બહાર નિકળવાનું ટાળતા લાગ્યા હતા, તો ગાંધીધામમાં ઘણા સ્થળોએ તો એસી કામ ન કરતા હોવાની બુમ ઉઠવા લાગી હતી. તો પંખા નીચે બેઠા હોવા છતાં તેની હવા ન લાગતી હોવાનો અહેસાર થઈ રહ્યો હતો, તો બફારાના કારણે સતત નિતરતા પરસેવાથી લોકો ડિહાઈડ્રેશનનો અનુભવ કરી રહ્યા હતા. ભારે ગરમીથી પરેશાન થતા લોકોએ યેન કેન પ્રકારે ગરમીનો સામનો કરતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં બીજુ સૌથી વધુ તાપમાન ભુજમાં પણ આવોજ માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં થયેલા બદલાવોના આધારે હજુ થોડો સમય આ બફારા અને ગરમીનો અહેસાસ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેહુલાની એંટ્રી થઈ હોવાનું જાણવા મળે છે.

જિલ્લામાં અંદાજે છેલ્લે જુન મહિનામાં તાપમાન આટલે પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.શુક્રવારના આખો દિવસ બફારાનો સામનો કર્યા બાદ આખરે રાત્રીના 9 વાગ્યાના અરસામા વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. સાંજથીજ વાદળોથી ગોરંભાતું વાતાવરણ અને વીજળીના કડાકા તેનો અંદેશો આપી રહ્યા હતા. તો આજ પ્રકારનું વાતાવરણ જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિના જોવા મળ્યું હતું.

અંજારમાં ગરમી બાદ રાત્રે વરસાદ અને લાઈટ ગુલ
અંજાર : ભાદરવા મહિનાની શરૂઆત થતા જ અંજારમાં વરસાદે વિદાય લીધી હતી. જેથી દિવસ દરમ્યાન પ્રખર તાપ પડતો હોવાથી ગરમીનો પારો ખૂબ ઉચકાઈ ગયો છે અને લોકો બફાઈ રહ્યા છે. તેવામાં શુક્રવારે તો 40 ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હોઇ તેવા અનુભવથી લોકો રીતસર બફાયા હતા. જે દરમ્યાન રાત્રે 9 વાગતાની સાથે કુદરતની જાણે કૃપા થઈ હોય તેમ જોરદાર ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. પરંતુ માત્ર 10 મિનિટ સુધી વરસ્યા બાદ વરસાદ બંધ પડી ગયો હતો. ગરમી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી માંથી રાહત મળશે તેવું લોકો વિચારી રહ્યા હતા. પરંતુ જાણે પીજીવીસીએલને આ ન ગમ્યું હોય તેમ વરસાદ પડતાં જ લાઈટ ગુલ થઈ ગઈ હતી અને લાઈટના આવ-જાવના કારણે લોકોને વરસતા વરસાદ વચ્ચે પણ ગરમીમાં જ રહેવું પડયું હતું.

ભુજમાં રાત્રે હવામાન પલટાયું
દિવસભર અસહ્ય ગરમી રહ્યા બાદ રાત્રે ભુજમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન સાથે વીજળીના ચમકારા થયા હતા. જો કે મોડે સુધી ઝાપટું કે વરસાદ નહીં થતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળવાની આશા ઠગારી નીવડી હતી.

અન્ય સમાચારો પણ છે...